Vadodara

વડોદરા:એસ.એસ.જીમાં જિલ્લાના છ બાળકોના ચાંદીપુરા નાં રિપોર્ટ પોઝિટિવ

શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 32 કેસોમાંથી 18 બાળકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે 6 બાળકો સાજા થતાં રજા આપી દેવાઇ છે.

હાલમાં 8 બાળકો સારવાર હેઠળ છે જેમાંથી 4 બાળકોને આઇસીયુમા તથા ચાર બાળકોને વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે..

ચોમાસામાં દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓ સહિત પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા સહિતના જિલ્લામાં શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ (ચાંદીપુરા)ના કેસો જોવા મળ્યાં છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં પિડિયાટ્રિક વિભાગમાં ગત માસથી અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાના કુલ 32 બાળકો શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસના સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધીમાં 18 જેટલાં બાળકોના મૃત્યુ થયા હતા જ્યારે 6 બાળકોને સાજા થતાં હોસ્પિટલમાં થી રજા આપી દેવામાં આવી છે. હાલમાં 8 બાળકો શંકાસ્પદ ચાંદીપુરા રોગની સારવાર હેઠળ છે જેમાં ચાર બાળકોની સ્થિતિ નાજુક હોઇ તેઓને આઇસીયુમા રાખવામાં આવ્યા છે જ્યારે અન્ય ચાર બાળકોને વોર્ડમાં શિફ્ટ કરી સારવાર આપવામાં આવી રહી છે ત્યારે ગતરોજ છ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે .આ અંગે એસ એસ.જી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.રિન્કી શાહે જણાવ્યું હતું કે, આ શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ (ચાંદીપુરા) થી બાળકોને વધુ ગંભીર અસર થાય છે કારણ કે નાના બાળકોમાં કુપોષણ કે પછી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી બાળકો માટે ગંભીર બની જાય છે માટે બાળકોને શક્ય હોય ત્યાં સુધી મચ્છરદાનીમાં રાખવા, શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા તથા મચ્છરોથી બચવાના ક્રિમ વિગેરે ઉપયોગમાં લેવા સાથે જ ઘરની કાચી દીવાલો તિરાડોને પૂરી દેવા, દવા છંટકાવ કરવો અને ખાસ કરીને ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે.

Most Popular

To Top