Vadodara

વડેલીના વિદ્યાર્થીઓને મુસાફરીનો લાભ મળતાં બસ સ્ટેન્ડ પર જ હલ્લાબોલ 

બસ રોકો આંદોલન કરી એસટી વિભાગની આડોડાઈ સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું

(પ્રતિનિધિ) બોરસદ, તા.20

બોરસદ તાલુકાના વડેલી બસ સ્ટેન્ડ પાસે બસોને થોભાવવામાં ના આવતાં વિદ્યાથીઓ એકાએક જ બસ સ્ટેન્ડ પાસે હલ્લાબોલ કર્યું હતું. ગામના બસ સ્ટેન્ડ પાસે છેલ્લા ઘણા દિવસોથી કેટલીક બસોને સ્ટોપેજ ના કરાતાં વિધાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતે સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિરાકરણ લાવવામાં કોઈ કાર્યવાહી કરાઇ નહોતી, જેથી મંગળવારે સવારથી જ સ્થાનિક ગ્રામજનો અને વિધાર્થીઓએ ના છુટકે બસ રોકો આંદોલન કરી એસટી વિભાગની આડોડાઈ સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

  પ્રાપ્ત માહિતી મુજબ વડેલી ગામના ૭૦ કરતાં વધુ વિધાર્થીઓ આણંદ વિદ્યાનગર બોરસદ ભાદરણ સહિત વિવિધ સ્થળોએ શાળા કોલેજોમાં અભ્યાસ માટે અપડાઉન કરે છે. આ માટે દરેક વિધાર્થી બોરસદ રાસ ધુવારણ રોડ પર આવેલા વડેલી બસ સ્ટેન્ડથી સરકારી બસોની મુસાફરી કરીને નિયત સ્થળે અપડાઉન કરે છે. પરંતુ વડેલી ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા અગાઉ જ મોટાભાગની બસો મુસાફરોથી ભરચક જ હોય છે. આવી સ્થિતિમાં બસોને વડેલી બસ સ્ટેન્ડ પાસે સ્ટોપેજ આપવાને બદલે બારોબાર દોડાવવામાં આવે છે. જેથી બસ સ્ટેન્ડ પાસે રાહ જોઈ રહેલા વિધાર્થીઓ, રોજીંદા મુસાફરોને જરૂરીયાત સમયે જ બસ સુવિધા મળી શકતી નથી. જેથી અભ્યાસ માટેનો કિંમતી સમય વિધાર્થીઓને ગુમાવવો પડે છે. રોજબરોજની આવી પરિસ્થિતિ ત્રસ્ત થયેલા ગ્રામજનો વિધાર્થીઓએ મંગળવારે એકાએક જ બસ રોકો આંદોલન કરીને વડેલી બસ સ્ટેન્ડ પાસેથી જતી આવતી તમામ બસોને ઘેરાવો કરીને અટકાવી દિધી હતી. જોકે બસ રોકો આંદોલન અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સમજાવટ કરીને અટકાવી દીધેલી બસોને રવાના કરવામાં આવી હતી.

શાળા કોલેજ શરૂ થવા અને છુટવા સમયને ધ્યાનમાં રાખીને  વડેલી માટે બસ રૂટ ખુબ જરૂરી 

ગ્રામજનોના જણાવ્યા અનુસાર વિધાર્થીઓના હિતમાં એસટી વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે શાળા કોલેજ શરૂ થવા અને છુટવા સમયને ધ્યાનમાં રાખીને બે બસ રુટ વડેલી ગામ તેમજ આસપાસના ગામોમાંથી આવતા વિધાર્થીઓ માટે વહેલી તકે શરૂ કરવા જરૂરી છે. જેથી આ સમસ્યાનુ કાયમી નિવારણ થઈ શકે તેમ છે.

Most Popular

To Top