ઓમ રેસીડેન્સી સોસાયટીના 400 પરિવારોએ ચૂંટણી બહિષ્કારનો ચીમકી ઉચ્ચારી


વડોદરા શહેરના મોટનાથ મહાદેવ મંદિર નજીક આવેલી ઓમ રેસીડેન્સી કો.ઓ.હા. સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક દિવસોથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વડાપ્રધાન આવાસ યોજનાના અંતર્ગત માત્ર ત્રણ વર્ષ પહેલા બનેલા આ મકાનોમાં હવે ગંભીર ભંગાણ, ગાબડાં અને તિરાડો દેખાવા લાગી છે. બ્લોકો બેસી જવાની સ્થિતિ સર્જાતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે.



સોસાયટીમાં પાંચ માળના કુલ 10 ટાવરમાં અંદાજે 400 પરિવારો વસે છે. પાયો નબળો પડતો હોવા સાથે અનેક ટાવરના પિલરોમાં પણ તિરાડો દેખાય છે. કેટલાક ઘરોની છતમાં ગાબડાં પડતાં રહીશો પોતાના પરિવારોની સુરક્ષા અંગે ચિંતિત બની ગયા છે.
રહીશોનો આક્ષેપ છે કે યોજનામાં ગરીબ લોકો માટે ગુણવત્તાયુક્ત મકાન આપવાની જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં નબળી બાંધકામ સામગ્રી અને બેદરકારીપૂર્ણ કામગીરીના કારણે મકાનો ત્રણ વર્ષમાં જ ખસ્તા હાલતમાં પહોંચી ગયા છે.


ઓમ રેસીડેન્સીના નાગરિકોએ એકત્ર થઈને સોસાયટી પરિસરમાં સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું કે, જો તંત્ર અને રાજકીય આગેવાનો તાત્કાલિક પગલાં નહીં લે તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે. રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી કે હાલમાં કોઈપણ રાજકીય નેતાને સોસાયટીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
રહીશોનું કહેવું છે કે ઘણી વખત તંત્રને રજૂઆત કરવા છતા કોઈ પગલાં લેવાયા નથી. હવે તેઓ પાસે ચૂંટણી બહિષ્કારને શસ્ત્ર તરીકે ઉપાડવાનો વિકલ્પ જ રહ્યો છે.
સ્થાનિક નાગરિકોએ માંગણી કરી છે કે સરકાર ત્વરિત અસરથી બાંધકામની ગુણવત્તાની તપાસ કરી હાલ રહી રહેલા પરિવારોને સુરક્ષિત આવાસ ઉપલબ્ધ કરાવે.