કાદવને પગલે મહિલાઓ અને વયોવૃદ્ધો માટે વાહન ચાલવું પણ મુશ્કેલ
વૈકલ્પિક રસ્તા પર ચાલી રહેલા કામને લીધે કાદવ અને કીચડનું સામ્રાજ્ય
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરાના વડસર કોટેશ્વર રોડ પર ચાલી રહેલી નાળાની કામગીરીને પગલે તંત્ર દ્વારા આપવામાં આવેલો વૈકલ્પિક રસ્તો હવે નાગરિકો માટે મુશ્કેલી નહીં પરંતુ જીવલેણ અને જોખમ બની ગયો છે. કાંસા રેસિડન્સી, સમૃદ્ધિ અને અન્ય સોસાયટીઓના રહીશો વારંવાર ચોમાસામાં ત્રાહિમામ પોકારતા રહ્યા છે. ત્યારે હાલનો કાદવ અને કીચડ ભરેલો રસ્તો તેમનાં દુઃખમાં વધારો કરી રહ્યો છે. વડસર કોટેશ્વર રોડનું વારંવાર ધોવાણ થતું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશને નવું નાળું બનાવવાનું કામ હાથ ધર્યું છે. જોકે, એ કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે અને તેના કારણે તંત્રએ જે વૈકલ્પિક રસ્તો આપ્યો છે તે આપત્તિરૂપ સાબિત થઈ રહ્યો છે. રસ્તા પર ચાલી રહેલા કામને ધોરણે કાદવ અને કીચડનું સામ્રાજ્ય છે, જેને લીધે ટૂ-વ્હીલર ચલાવવી તો દૂરની વાત રહી, આમ જ સ્લીપ થઈ જવાના બનાવ પણ બન્યા છે.
આ વિકટ પરિસ્થિતિમાં રાહદારીઓ, ખાસ કરીને મહિલાઓ અને વયોવૃદ્ધો માટે વાહન ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. વૈકલ્પિક રસ્તો એટલો ખસ્તા હાલતનો છે કે જ્યાંથી એમ્બ્યુલન્સ પણ પસાર ન થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોઈ પણ આપત્તિના સમયે બીમારી કે પ્રસૂતિ જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં દર્દીને બહાર લાવવી અશક્ય બની રહી છે. સ્થાનિક રહીશોએ આ મુદ્દે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે આકરા આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના મતે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, પરંતુ પાયાની સુવિધાઓ નથી. રસ્તાની હાલત પરથી તંત્રની નફ્ફટતાનું સ્પષ્ટ દૃશ્ય જોવા મળતું હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા અને કાયમી ધોરણે સમસ્યાનું સમાધાન લાવવાની માગ કરી છે. આ સાથે તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે વિકાસના નામે માત્ર જાહેરાતો નહિ, પરંતુ જમીન પર અસરકારક કામગીરી જોઈએ છે.