Charotar

વડતાલ સ્વામિના. સંપ્રદાયને લાંછન લગાડતા સંતો સામે પગલાં ભરો

હરિભક્તોમાં સંપ્રદાયના હોવા બદલ શરમ અનુભવાય છે છતાં સાધુઓ હિંમતથી મોજ કરી રહ્યા હોવાથી રોષ

સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હરિભક્તો તથા અન્ય સંપ્રદાયના ભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

(પ્રતિનિધિ) આણંદ તા.5

ચરોતર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સંતોની વિવિધ કરતૂત બહાર આવી રહી છે. તેમાંય આ સંતો સામે પગલાં ન ભરાતાં હરિભક્તોમાં રોષની લાગણી જન્મી છે. આ અંગે કેટલાક હરિભક્તોએ શુક્રવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

આણંદ કલેક્ટરને હરિભક્તોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક સંપ્રદાય છે, તેનું પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ હરિભક્તો ભાઇઓ, બહેનો તમામ બંધાયેલા છે. વિશ્વના ફલક પર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો દ્વારા વિવિધ ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતો અનુસાર વર્તન કરનાર તરફ સમગ્ર સમાજ માનની દૃષ્ટિએ જુએ છે. સ્વામીનારાયણના સાધુએ ભાગવતી દિક્ષા અંગીકાર કરી, સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલ પણ ભગવાને સ્થાપેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી. સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહી કે બીજા પાસે કરાવવો નહિ તેવી આજ્ઞા છે. આમ છતાં ખાનગી સંસ્થાઓ, ગુરૂકુળો બનાવી સંપતિ એકઠી કરે  છે અને તે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરે છે.

આ આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે, સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીનું મુખ જોવું નહીં, સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્યો આચરે છે અને બળાત્કાર કરે છે. ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક, ચારિત્ર્યહિન પ્રવૃત્તિ કરે છે. કાયદા મુજબ સગીર વ્યક્તિ જે પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી તેને દિક્ષા આપીને કેવી રીતે સાધુ કરાય ? આમ છતાં સગીર બાળકોને શિક્ષણના કહેવાતા હેતુ માટે ગુરૂકુળોમાં લલચાવી, લાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે.  આમ છતાં કાયદેસરની કાર્યવાહીથી કોઇપણ કારણસર અલગ રહે છે, અગર વગ કે પૈસા કે દબાણ કે સાધુના ભગવાનો ઉપયોગ કરી છટકી જાય છે.  આ અંગે અનેકવારની રજૂઆત છતાં ગંભીર ગુનાઓ બાબતે સમાજના હિતમાં જવાબદારોએ સ્વયં પગલા લેવા જોઇએ, તેના બદલે રજુઆત કરવા છતાં પગલા લેવાતા નથી તે આઘાતજનક છે. સમાજમાં ધાર્મિક લાગણી ધરાવનારની લાગણી દુભાય છે. સંપ્રદાયના હોવા બદલ શરમ અનુભવાય છે છતાં આવા સાધુઓ ખબર નહિ કોની હિંમતથી મોજ કરી રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે, ભૂખ્યા જનોને જઠરાગ્નિ જાગે ત્યારે ક્રાંતિ સર્જાય છે. આવા દુષ્કૃત્યોથી સમાજની સહનશીલતાની હદ આવી ગઇ છે. આમ છતાં બની બેઠેલા ધર્મના વડા હજુ શું કસોટી કરવા માંગી રહ્યા છે ? હિંમત પૂર્વક પગલાં લઇને તેઓના ભગવા ઉતારી લેતા નથી. આવા જ કૃત્યો કરવા હતા તો ત્યાગી શું કરવા થયા ? ગૃહસ્થ તરીકે કર્યા હોત તો કદાચ કોઇની લાગણી દુભા્ન ન હોત, પણ જાણે કે ભગવા વસ્ત્રના ઓથે જ ભોગ વિલાસ સરળતાથી કરી શકશે, લોકો પગે લાગશે અને પૈસા આપશે. સાધુનો દ્રોહ ન થાય તેવો ડર બતાવીશુ એટલે કોઇ વિરોધ નહિ કરે અને જલસા કરીશુ, હવસ સંતોષીશુ, નાણાં અને સંપતિ ભેગી કરીશુ તેવા બદઇરાદાથી સાધુ થયાં છે. બની બેઠેલા ધર્મના વડાઓ તો કંઇ કરે તેવુ લાગતુ નથી. કારણ કે બધા એક જ નાવમાં સવારી કરી રહેલા જણાય છે. જેથી હવે સરકાર આ બાબતે સખત પગલાં લે તેવી લાગણી સહ નમ્ર અરજ છે. હરિભક્તોનો રોષ અને લાગણી ક્યાં સુધી સંયમમાં રહે જેથી સનાતન ધર્મને માનતા તમામ જેની લાગણી આવા કૃત્યોથી દુભાય છે તે તમામની માંગણી છે કે હવે કોઇ સારી વ્યવસ્થા ગોઠવાય, તેવી  કાર્યવાહી તાકીદે થાય તેવી માંગણી છે. વિકલ્પે મોટો સમુહ હવે સહનશીલતાની મર્યાદા સુધી પહોંચી ગયેલ છે અને ધર્મનું ખરાબ ન દેખાય તેવી મર્યાદામાં છે. જેથી મર્યાદા સચવાય તેવી કાનુની કાર્યવાહી ઝડપથી કરવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી સાથે રજૂઆત છે.

Most Popular

To Top