Charotar

વડતાલધામમાં 7મી નવેમ્બરથી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે

વડતાલધામથી એક હજાર ગામમાં  દ્વિશતાબ્દી આમંત્રણ રથનું પ્રસ્થાન

(પ્રતિનિધિ) વડતાલ,તા.13

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામથી ગુજરાત અને મહારાષ્ટ્રના એક હજાર ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે.

 વર્તમાન ગાદિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વડતાલ મંદિરના મુખ્ય કોઠારીસ્વામી તથા મોટેરા સંતોએ પૂજા વિધિ કરાવીને આરતી અને જયનાદ સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. વડતાલધામને આંગણે આગામી તારીખ 7મી નવેમ્બરથી 15મી નવેમ્બર,2024 દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાનાર છે. આ મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાત-મહારાષ્ટ્રના એક હજાર ઉપરાંત ગામોમાં રહેતા હરિભક્તોને ઘરે-ઘરે નિમંત્રણ પહોંચે તે માટે વડતાલ સંસ્થાન દ્વારા આમંત્રણ પ્રચાર રથનું આયોજન કરવામાં આવેલ છે.

જે અનુસાર શ્રાવણ માસના બીજા સોમવારે આ પ્રચાર રથનું વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, ભાઈ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, પી.પી.સ્વામી, સુર્યપ્રકાશ સ્વામી, નિર્ભયચરણ સ્વામી, કે.પી.સ્વામી હરિકૃષ્ણ સ્વામી સુરત ગુરુકુલ , વિટ્ઠલ ભગત સહિત સંપ્રદાયના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં પૂજાવિધી બાદ મંગલ પ્રસ્થાન કરાવ્યું હતું.

આ આમંત્રણ રથની માહિતી આપતા કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ‘આપણા મહારાજ આપણા શહેરમાં’ જેમાં આણંદ શહેરમાં તારીખ 12 થી 15 ઓગસ્ટ ,નડિયાદ શહેરમાં તારીખ 16 થી 23 ઓગસ્ટ, વડોદરા શહેરમાં તારીખ 24 થી 31 ઓગસ્ટ, ભરૂચ શહેરમાં તારીખ 1 થી 5 સપ્ટેમ્બર, સુરત શહેરમાં તારીખ 6 થી 13 સપ્ટેમ્બર, તાપી શહેરમાં તારીખ 14 થી 15 સપ્ટેમ્બર, ડાંગ શહેરમાં તારીખ 16 થી 19 સપ્ટેમ્બર, નવસારી શહેરમાં તારીખ 20 થી 21 સપ્ટેમ્બર, વલસાડ શહેરમાં તારીખ 22 થી 25 સપ્ટેમ્બર, વાપી શહેરમાં તારીખ 26 થી 27 સપ્ટેમ્બર, મુંબઈ શહેરમાં તારીખ ૩૦ સપ્ટેમ્બર થી તારીખ 7 ઓક્ટોબર, ખાનદેશ તારીખ 8 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર સુધી 1000 ઉપરાંત ગામોમાં આમંત્રણ રથ ફરી હરિભક્તોને દ્વી શતાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવશે. આમંત્રણ રથની સાથે પૂજ્ય પવિત્ર સ્વામી, નિર્ભય સ્વામી તથા બે હરિભક્તો સાથે રહેશે.

એનઆરઆઈ ભક્તો માટે 200 એકરમાં ટેન્ટ સીટી બનશે

વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું કે,‘શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વીશતાબ્દી મહોત્સવ ‘ના ભૂતો ના ભવિષ્યતી’ જેવો દેશ-વિદેશના લાખો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાશે જેનો લાભ લેવા માટે અમેરિકા, લંડન,ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, દુબઈથી લાખો સત્સંગીઓએ મહોત્સવમાં ભાગ લેવા માટે પોતાની ટિકિટો બુક કરાવી દીધી છે. વિદેશથી આવતા હરિભક્તોના ઉતારા માટે 200 એકરથી વધુ જગ્યામાં ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે. જેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મહોત્સવમાં પધારનાર તમામ ભક્તોને સવારે ચા- નાસ્તો, બપોરે પાકું જમણ તેમજ બપોરે ચા- કોફી તથા સાંજે વાળું કરાવવામાં આવનાર છે.

Most Popular

To Top