આર્યન રેસિડેન્સીના રહીશોમાં રોષ, પોલીસ તંત્ર દોડતું થયું :
દરરોજના થતા ટ્રાફિકજામથી રહીશો ત્રાહિમામ ,રજૂઆત નહિ સાંભળતા તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા પ્રયાસ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર જાંબુઆ બ્રિજ પાસે છેલ્લા કેટલાક દિવસથી ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા આજે સ્થાનિક સોસાયટીના રહીશો વીફર્યા હતા અને એક તરફનો સર્વિસ રોડ ઉપર પોતાના વાહનો મૂકી ચકા જામ કરી દેતા હાઇવે ઉપરથી પસાર થતાં અનેક વાહનોના પૈડા થંભી ગયા હતા.

નેશનલ હાઈવે ઉપર જાંબુઆ બ્રિજ પાસે છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિકજામનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગતરોજ એક ડમ્પર બંધ થવાથી સર્વિસ રોડ ઉપર કલાકો સુધીનો ટ્રાફિકજામ રહ્યો હતો. જેના કારણે આ ટ્રાફિકમાં ઇમરજન્સી વાહનો પણ ફસાઈ ગયા હતા. છેલ્લા લાંબા વર્ષોથી ઉદ્ભવેલી આ સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન છે, અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવતા સોસાયટીના રહીશોને ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે.

ત્યારે આજરોજ આર્યન રેસીડેન્સી ના રહીશોએ એકત્ર થઈ સર્વિસ રોડ ઉપર પોતાના વાહનો આડા મૂકી ચક્કા જામ કરી દીધું હતું જેના કારણે હાઇવે ઉપર 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો અનેક વાહનોના પૈડા થંભી ગયા હતા. જેના કારણે સ્થાનિક રહીશો અને હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો વચ્ચે શાબ્દિક ટપા ટપી પણ થઈ હતી બનાવને પગલે પોલીસની પીસીઆર માન સ્થળ પર દોડી આવી હતી.

જોકે સ્થળ પર આવેલી પોલીસને પણ સ્થાનિક રહીશોએ આડે હાથ લઈ ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીની બહારનો જે સર્વિસ રોડ છે, તે કોર્પોરેશનની હદમાં આવે છે. તેમ છતાં પણ અમારી સોસાયટી વાળાને સાફ સફાઈ કરાવવી પડે છે અને પછી ગમે ત્યાંથી બહાર નીકળી શકીએ છીએ. અમે ટ્રાફિકમાં એટલા ખરાબ રીતે ફસાયા છે. પાંચ વર્ષથી આ સમસ્યા છે, પણ છેલ્લા એક વર્ષથી અમે ત્રણ થી ચાર વખત રિક્વેસ્ટ કરી છે, તેમ છતાં પણ અમારું કોઈ નિરાકરણ આવતું નથી જેથી કરીને હવે અમે પૂરી તૈયારીમાં છે. ખુશ્બુ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિક જામની સમસ્યા છે, સૌથી મોટામાં મોટો આ પ્રશ્ન છે, ટ્રાન્સપોર્ટ મુખ્ય વસ્તુ છે કે, જેમાં અમે બાળકોને સ્કૂલમાં મૂકવા જવા માટે ઘરે પાછા લાવવાની સમસ્યા છે, ઘરેથી સામાન લેવા લાવવા, ઘરે ઉંમરલાયક વ્યક્તિઓ છે એમને પણ હોસ્પિટલમાં લઈને જવા અને લાવવાની ખૂબ જ તકલીફ પડી રહી છે. જે પણ નોકરીવાળા છે, એમનેતો જવાની તો ખૂબ જ તકલીફ પડી રહી છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે આગળ હવે અલગ જ પગલું લેવા મજબૂર છે.

હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે પણ ટ્રાફિકજામ થયો હતો. ઘણા સમયથી આ ટ્રાફિકની સમસ્યા છે. અમારી માંગ છે કે અમને એક અલગથી સર્વિસ રોડ આપવામાં આવે. જેથી કરીને અમારા જે છોકરાઓ નાના નાના છોકરાઓ ભણવા જાય છે. એમની મુશ્કેલી દૂર થાય, અમારે જવું હોય તો ગટર લાઈન ઉપરથી થઈને જવું પડે છે. બીજી તરફ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા કે, અહીંયા લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે, પણ એક પણ ટ્રાફિક પોલીસ જવાન દેખાતો નથી. જ્યારે યુનિટી માર્ચના કારણે ઘાડેધાડા પોલીસ ઉતરી આવી હતી. ખરેખર અહીંયા એક ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન રાખવો જોઈએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ નહીં. જોકે સોમવારે સ્થાનિક રહીશોએ વડોદરાના નબળા રાજકારણની આંખો ઉઘાડવા અને તંત્રના બેહરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે મોટું ચક્કાજામ કરતા પોલીસ તંત્ર દોડતું થયું હતું લાંબી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
