- ટિકિટ વાંચ્છુઓએ દિલ્હી દરબારમાં લોબિંગ કરવાની શરૂઆત કરી
- કોઈએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તો કોઈએ આર.એસ.એસ.ના દ્વાર ખટખટાવ્યા
લોકસભાની ચૂંટણી માટે ભાજપા દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે. એ અલગ બાબત છે કે ભારતને જોડવા નીકળેલી કોંગ્રેસ સાથે ખુદ તેના જુના કાર્યકરો જ જોડાયેલા નથી રહ્યા. ત્યારે એક તરફ ભાજપામાં ટિકિટ મેળવવા માટે પડાપડી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં કોંગ્રેસીઓ પાસે જ કોઈ વિકલ્પ ન હોય તેમ જણાઈ રહ્યું છે. કોંગ્રેસમાં ચૂંટણી લાડવા માટે પહેલે આપ પહેલે આપ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપાએ પહેલું લિસ્ટ બહાર પાડી દીધું છે. અને તેમાં 15 નામોની જાહેરાત કરી દેવાઈ છે. જે બેઠકો ઉપર વિવાદ જોવા મળી શકે છે તેવી બેઠકો પ્રથમ તબક્કામાં સમાવાઈ નથી. વડોદરા પણ તેમાંથી બાકાત રહ્યું છે. વડોદરા એ ભાજપાનો ગાઢ માનવામાં આવે છે અને તેથી ટિકિટવાંચ્છુઓની સંખ્યા વધારે હોય તે સ્વાભાવિક છે. કારણ કે ઉમેદવારે માત્ર ટિકિટ મેળવવાની જ મહેનત કરવાની છે ત્યાર બાદ તો ભાજપાના નામે ઇલેક્ટ્રિક પોલ પણ જીતી શકે છે. ત્યારે હાલમાં ભાજપમાં ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર વડોદરામાંથી કોઈ મહિલા ને જ ટિકિટ મળશે તેવી વાત વહેતી થતા પ્રથમ હરોળના દાવેદાર એવા શહેર પ્રમુખ ડો. વિજય શાહ છેલ્લા બે ત્રણ દિવસથી મૂડલેસ ફરી રહ્યા છે. તેઓના ચહેરા પરનું હાસ્ય ક્યાંક ખોવાઈ ગયું હોય તેમ લાગે છે. તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલે છેક ઉત્તરપ્રદેશ સુધી લોબિંગ કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉમેદવારની રેસમાં મહિલાઓમાં વર્તમાન સંસદ રંજનબહેન ભટ્ટ અને પૂર્વ મેયર જાગૃતિ બહેન પંડ્યા પણ રેસમાં છે. આ ઉપરાંત ભરત ડાંગર, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેતન ઇનામદાર સહિતના કેટલાય દાવેદારો છે. કેટલાકે પોતાના આર.એસ.એસ.ના બેકગ્રાઉન્ડને આગળ ધર્યું છે તો કેટલાકે જુના સંબંધોની આડ આપીને લોબિંગ કર્યું છે. જો કે આ તમામ વચ્ચે મેદાન કોણ મારી જાય છે તે જોવું રહ્યું.
તો ભાજપ કરતા કોંગ્રેસની સ્થતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. કોંગ્રેસનું કાર્યાલય સુમસામ જોવા મળે છે. બે – ત્રણ કાર્યકરો કાર્યાલયમાં આવે તો આવે નહિ તો આખો દિવસ ખાલીખમ જોવા મળે . કોંગ્રેસ પાસે ઉમેદવાર જ નથી દેખાઈ રહ્યા. એક ના એક 3 – 4 ચહેરા લોકો સમક્ષ આવી રહ્યા છે. એક સમયે ચૂંટણી ટાણે રાતોની રાતો સુધી ધમધમતા કાર્યલયમાં હવે કાર્યકર્તાઓને પરાણે બોલાવવા પડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે આગેવાનો એક બીજાના નામ ધરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણી જંગ એકતરફી રહેવાની પૂરેપૂરી સંભાવના છે.