10 લાખ લોકોએ દોડમાં ભાગ લીધો,જેમાંથી 1.10 લાખ લોકો ઉત્તિર્ણ થયા
ગુજરાત રાજ્યમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તા. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં LRDની શારીરિક કસોટી માટે 10 લાખ લોકોએ દોડમાં ભાગ લીધો હતો, જેમાંથી 1.10 લાખ લોકો ઉત્તિર્ણ થયા હતા. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા પુરુષ, મહિલા તેમજ માજી સૈનિક ઉમેદવારો માટે અલગ-અલગ લિંક દ્વારા વિગત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉમેદવારોને પોતાની કેટેગરી મુજબની લિંક પર ક્લિક કરી માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે RFID Lap Data અને CCTV કેમેરા દ્વારા દરેક તબક્કાની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ શારીરિક માપ કસોટી દરમિયાન ઊંચાઈ અને અન્ય માપદંડોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હોવાનું બોર્ડે જણાવ્યું છે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવાર તરફથી ગેરરીતિ કે ખોટી માહિતી સામે આવશે તો તેની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે. ઉપરાંત, સરકાર કે ન્યાયાલયના કોઈ પણ નવા આદેશો લાગુ પડશે તો તે તમામ ઉમેદવારો માટે બાધ્ય રહેશે. લોકરક્ષક ભરતીમાં સફળ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા તા. 14 જૂન, 2026 (રવિવાર)ના રોજ યોજાશે. ઉમેદવારોને સમયસર તૈયારી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ ઉમેદવારને પરિણામ અંગે કોઈ વાંધો કે રજૂઆત કરવી હોય તો જરૂરી દસ્તાવેજો સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર ખાતે નિર્ધારિત સમયમર્યાદામાં લેખિતમાં રજૂઆત કરવાની રહેશે. સમયમર્યાદા બાદ મળતી રજૂઆતો માન્ય ગણાશે નહીં. ઉમેદવારોને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા સૂચન કરવામાં આવ્યું છે.