તસ્કરે 1.69 લાખમાંથી એક લાખ લીધા બાકીના 69 રાખી મુકતાં આશ્ચર્ય
(પ્રતિનિધિ) લુણાવાડા તા.9
લુણાવાડાના પટ્ટણ ગામમાં રહેતા નિવૃત્ત શિક્ષકના ઘરમા ત્રાટકેલા તસ્કરે ટેબલના ડ્રોઅરમાં મુકેલા રૂ.1.69 લાખમાંથી એક લાખની ચોરી કરી હતી. આ અંગે લુણાવાડા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
લુણાવાડાના પટ્ટણ ગામમાં રહેતા જયંતીલાલ સાંકળચંદ વાળંદ નિવૃત્ત શિક્ષક છે અને હાલ તેઓ દાહોદના મહુડી જોલા જોહાર નગરમાં રહે છે. દરમિયાનમાં 6ઠ્ઠી જુલાઇના રોજ જયંતીલાલ અને તેમના પત્ની મિનાક્ષીબહેન, પુત્રવધુ કોમલબહેન રજા હોવાથી વતન પટ્ટણ ગામમાં આવ્યાં હતાં. જોકે, તેમનો પુત્ર ભાર્ગવ 3જી જુલાઇના રોજ સવારના નવેક વાગે દાહોદથી ખેતીકામ કરાવવા માટે આવ્યો હતો. બીજા દિવસે પરત દાહોદ મુકામે જવાનું હોવાથી સૌ તૈયાર થયાં હતાં. આ અગાઉ જયંતીલાલે 1લી જુલાઇના રોજ સવારના સાતેક વાગ્યે તેમની પાસે રહેલા રૂ.1.69 લાખ હતાં. જે બેઠક ખંડમાં આવેલા ટેબલના ડ્રોઅરમાં મુક્યાં હતાં અને તેને લોક માર્યું હતું. તેની ચાવી ટેબલના નીચેના ખાનામાં મુકી હતી. જે પૈસા જરૂર હોવાથી તેઓએ ટેબલમાની ચાવી કાઢી ડ્રોઅર ખોલી અંદર જોતા મુકેલા પૈસામાં એક લાખ ઓછા હતાં. જ્યારે ગણતરી કરતાં માત્ર રૂ.69 હજાર રૂપિયાં હતાં. આ અંગે દિકરા તથા ઘરના માણસોની પુછપરછ કરતાં કોઇએ લીધા ન હોવાનું જણાવ્યું હતું. જેથી આસપાસ પડોશમાં પુછપરછ કરતાં તેઓએ પણ ઘરનું તાળુ તુટેલું ન હોવાનું જણાવ્યું હતું. આમ, અજાણ્યા શખ્સે ટેબલમાં મુકેલી ચાવીથી ડ્રોઅર ખોલી તેમાંથી રૂ. એક લાખ લઇ ભાગી ગયો હતો. આ અંગે લુણાવાડા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.