એસટી કંડક્ટરના બંધ મકાન સહિત આસપાસની સોસાયટીમાં પણ ચોરી કરી
(પ્રતિનિધિ) લુણાવાડા તા.21
લુણાવાડાના યોગેશ્વર નગર સોસાયટીમાં આવેલા એસટી કંડક્ટરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રોકડ, દાગીના ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ નજીકની સોસાયટીના અન્ય બે બંધ મકાનને પણ નિશાન બનાવી કુલ 1.36 લાખની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે લુણાવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લુણાવાડાની યોગેશ્વર નગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર નાથાભાઈ વાળંદ એસટી કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ 17મી ઓગષ્ટના રોજ બાર વાગ્યે નોકરી પર ગયા હતા અને તેમના પત્ની જાગૃતિબહેન સોસાયટીની પાછળ રહેતા તેના પિતાના ઘરે ગયાં હતાં. બીજા દિવસે 19મી ઓગષ્ટના રોજ જાગૃતિબહેન ઘરે પરત આવ્યાં તે સમયે ઘરના દરવાજાનું તાળુ તુટેલું હતું. ઘરની અંદર રાખેલી બન્ને તિજોરી તુટેલી હતી. તેમાં રાખેલો સર – સામાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરીના ડ્રોઅરમાં રાખેલા સોનાના દાગીના, રોકડા રૂ.60 હજાર જોવા મળ્યાં નહતાં. આ અંગે તુરંત નરેન્દ્રભાઈને જાણ કરતાં તેઓ દોડી આવ્યાં હતાં. તપાસ કરતાં બાજુની શીવાલય સોસાયટીમાં રહેતા કિરણકુમાર ગમાભાઈ ચૌધરીના ઘરે પણ રાત્રે તિજોરીમાંથી રોકડા રૂ.દસ હજાર, દાગીના, સાગર નિવાસી સોસાયટીમાંથી દીપુકુમાર લક્ષ્મણપ્રસાદ ખરવારના ઘરનો મુખ્ય દરવાજાનું લોક તોડી તિજોરીમાંથી રૂ.15 હજાર મળી રૂ.1.36 લાખની મતા ચોરી કરી ગયાં હતાં.
આ અંગે લુણાવાડા પોલીસને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને એફએસએલ, ડોગ સ્કવોર્ડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરોનું પગેરૂ દબાવ્યું હતું. પરંતુ મોડી સાંજ સુધી ખાસ કશુ મળ્યું નહતું. આખરે આ અંગે નરેન્દ્રભાઈ વાળંદની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.