વીરપુરના ધો.12 પાસ શખ્સોએ દવાખાનું શરૂ કરી દીધું
(પ્રતિનિધિ) લુણાવાડા તા.6
લુણાવાડના લાલસર ગામમાં બે શખ્સે ભેગા મળી ઘરમાં જ કોઇ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટીફિકેટ વગર જ હોસ્પિટલ શરૂ કરી દર્દીઓની સારવાર શરૂ કરી દીધી હતી. આ અંગે વરધરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે દરોડો પાડી બન્નેને પકડી પાડ્યાં હતાં.
લુણાવાડાના વરધરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડો. નેહા છગનભાઈ ગેલાત 5મી ઓગષ્ટના રોજ બપોરના એકાદ વાગ્યાના સુમારે ખારોલ પીએચસી ખાતે હાજર હતાં તે દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસરની કચેરીથી જાણવા મળ્યું હતું કે, લુણાવાડા તાલુકાના લાલસર ગામમાં બોગસ તબીબ પોતાના મકાનમાં ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરે છે. આથી, મહિસાગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને સાથે રાખી બપોરના લાલસર ગામમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એક મકાનના રૂમમાં ટેબલ ખુરશી નાંખી પોતાની પાસે ટેબલ પર ટેટસ્કોપ તથા બીજા સાથો સાથે શખ્સ બેઠો હતો. આ શખ્સની પુછપરછ કરતાં તે ડોક્ટર હોવાનો પરિચય આપ્યો હતો. આથી, ડો. નેહાએ તેની પાસે તબીબ હોવાનું સર્ટીફિકેટ રજુ કરવાનું કહેતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. આથી, અટક કરી પુછપરછ કરતાં રાકેશ જયંતિ શર્મા (ઉ.વ.37, રહે. લીંબચ સોસાયટી, વીરપુર, હાલ લાલસર) હોવાનું જણાવ્યું હતું. તેણે ધો.12 પછી સેનેટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસ કર્યો હતો. જ્યારે કોઇ તબીબની ડિગ્રી લીધી નહતી. આ ઉપરાંત બીજો શખ્સ કમ્પાઉન્ડર હતો. તે અમૃત પ્રતાપ ખાંટ (રહે. કાસોડી, તા. વીરપુર) હોવાનું જણાવ્યું હતું. તે પણ ધો.12 સુધી જ ભણેલો હતો. તેને મહિને રૂ.પાંચ હજારમાં કામ પર રાખ્યો હતો. આ દવાખાનામાં તપાસ કરતાં અલગ અલગ કંપનીની દવા, ગોળી, બોટલ, ઇન્જેકશન વિગેરે મળી આવ્યાં હતાં. આથી, બન્નેની અટક કરી પોલીસ મથકે લાવ્યાં હતાં. જ્યાં રાકેશ જયંતિ શર્મા અને અમૃત પ્રતાપ ખાંટ સામે ગુનો નોંધી 2,36,642ની વિવિધ દવા, મોબાઇલ મળી કુલ રૂ.2.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાલસરમાં બે વર્ષથી દવાખાનું ચલાવતાં હતાં
મહીસાગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાકેશની પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ડોક્ટરની ડિગ્રી નહિ હોવા છતાં ડોક્ટર તરીકેની સેવા આપતો હતો. આ દવા લુણાવાડા વૃંદાવન મેડિકલ એજન્સી, નીધી ફાર્મા બાયડ, મા ફાર્મા બાયડ, નીલ મેડીકો બાલાસિનોર, અંશ ફાર્મા બાલાસિનોર પાસેથી લાવ્યાં હતાં. જોકે, તેના પિતા પાસે જીએમપીની ડિગ્રી હોવાથી દવા કરતાં હતાં. તેની પાસેથી દવા કરવાનું શીખેલો હતો.