જ્યારે દુનિયામાં માનવ આવ્યો ત્યારે તે સમયે લગ્નપ્રથા અસ્તિત્વમાં નહોતી. સદીઓ બાદ આ પ્રથા શરૂ થઈ હતી. જાનવરની જેમ રહેતા માનવને સમાજવ્યવસ્થામાં જોડવા અને તેને જાનવરને બદલે માનવ બનાવવા માટે લગ્નપ્રથાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પણ લગ્નેત્તર સંબંધો પણ બંધાતા રહેતા હતા. જોકે, છેલ્લા કેટલાક દાયકાઓથી લીવ ઈન રિલેશનશિપનો નવો વાયરો શરૂ થયો છે. લીવ ઈન રિલેશનશિપ એ સારી બાબત છે કે ખરાબ તેની ખૂબ ચર્ચા ચાલી છે અને કાયદાકીય રીતે તેને મંજૂરી પણ આપવામાં આવી છે પરંતુ આ લીવ ઈન રિલેશનશિપ ક્યારેય લગ્નનો વિકલ્પ બન્યું નથી કે બની શકે નહીં.
ભારત દેશમાં અત્યાર સુધીમાં કુટુંબને જેટલા પણ કાયદાઓ બન્યા તેમાં માત્ર પતિ અને પત્નીને જ ખ્યાલમાં રાખવામાં આવ્યા હતા. લીવ ઈન રિલેશનશિપને હજુ સુધી લગ્નનો જેવો દરજ્જો મળ્યો નથી અને વારંવાર કોર્ટ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ અંગેને ચુકાદાઓ પણ આપવામાં આવ્યા છે. લીવ ઈન રિલેશનશિપ એ લગ્ન થી પરંતુ પુખ્ત વયના બે વિજાતીય વ્યક્તિ વચ્ચેનો કરાર છે અને તેને કારણે તેને લગ્ન સંબંધિત કોઈપણ જોગવાઈઓ લાગુ પડતી નથી. કેરળ હાઈકોર્ટે વધુ એક વખત આ બાબતને પરોક્ષ રીતે જણાવી છે.
તાજેતરમાં કેરળ હાઈકોર્ટમાં એક એવો કેસ આવ્યો હતો કે જેમાં લીવ ઈન રિલેશનશિપમાં રહેનારી યુવતીએ તેની સાથે રહેનાર યુવક અને તેના પરિવારજનો પર માર્ચ 2023થી ઓગષ્ટ 2023 દરમિયાન માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવાનો અને ક્રુરતા આચરવાનો આરોપ મુક્યો હતો. આ અંગે તેના દ્વારા આઈપીસીની કલમ 498(એ) હેઠળ સજા કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, કેરળ હાઈકોર્ટે સ્પષ્ટપણે એવો ચુકાદો આપ્યો હતો કે આઈપીસીની કલમ 498(એ) હેઠળ સજાપાત્ર અપરાધ માટે સૌથી વધુ જરૂરી એ છે કે ફરિયાદ કરનાર વ્યક્તિ પત્ની તરીકેનો દરજ્જો ધરાવતી હોવી જોઈએ. એટલે કે મહિલા તેના પતિ અથવા તો તેના પતિના સંબંધી દ્વારા ક્રુરતાનો ભોગ બને તો જ આ કલમ લગાડી શકાય છે.
યુવાન જ્યારે લગ્ન કરે ત્યારે જ જે તે સ્ત્રીના પતિનો દરજ્જો મેળવે છે. જો કાયદાની નજરમાં લગ્ન જ થયા નહી હોય અને કોઈ પુરૂષ કાયદેસરના લગ્ન કર્યા વિના જ સ્ત્રીનો જીવનસાથી બને તો તેને આ કલમ હેઠળ પતિ કહી શકાય નહીં. આ ટિપ્પણી સાથે કેરળ હાઈકોર્ટે તે યુવતીની સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેનાર યુવાનને છોડી દીધો હતો. કેરળ હાઈકોર્ટના ચુકાદા બાદ ફરી લીવ ઈન રિલેશનશિપને કારણે યુવતી સામે રહેલા જોખમોની ચર્ચા ઉઠવા પામી છે.
સામાન્ય રીતે એક પુખ્ત પુરૂષ સાથે રહેનાર કોઈપણ સ્ત્રીને શારીરિક-માનસિક અને આર્થિક રક્ષણ મળવું જ જોઈએ. પરંતુ લીવ ઈન રિલેશનશિપમાં યુવતીને આ રક્ષણ મળતું નથી. યુવતીને પત્નીનો દરજ્જો મળતો નથી અને તેને કારણે એક પત્ની તરીકેના હકો પણ તેને મળતાં નથી. લીવ ઈન રિલેશનશિપમાં લગ્નથી ઉભા થતાં બંધનો ભલે નહીં હોય પરંતુ સાથે સાથે જોખમો ઘણા છે. લીવ ઈન રિલેશનશિપને ગેરકાયદે ગણવામાં આવ્યું નથી પરંતુ તેનાથી સૌથી વધુ નુકસાન યુવતીને જ થાય છે.
યુવતીને લગ્નસંબંધી કાયદાઓમાં રક્ષણ મળતું નથી. તેની સાથે ક્રુરતા થાય તો તેણે આઈપીસીની અન્ય કલમનો સહારો લેવો પડે છે. સાથે સાથે કોઈપણ સંજોગોમાં અલગ રહેવું હોય તો ભરણપોષણનો પણ લાભ મળતો નથી. જેને કારણે યુવતીની બાકીની જિંદગી જોખમમાં આવી જાય છે. સરકારે અત્યાર સુધીમાં કાયદેસરના લગ્ન થયા હોય તો પત્ની અને પતિ માટે વિવિધ હકની કાયદાઓ હેઠળ જોગવાઈ કરી છે પરંતુ લીવ ઈન રિલેશનશિપ માટે હજુ સુધી આવી કોઈ જ કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી નથી.
ખરેખર સરકારે હવે લીવ ઈન રિલેશનશિપને ગંભીરતાથી લેવાની જરૂરીયાત છે. મહિલાઓને સંરક્ષણ આપવાની વાત કરતી સરકારે લીવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાઓને પણ ક્રુરતાથી માંડીને ભરણપોષણ સુધીનું સંરક્ષણ મળી શકે તેવા કાયદાઓ ઘડવા જોઈએ. લીવ ઈન રિલેશનશિપનો જ્વાર જે રીતે ચાલી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં લગ્નની સરખામણીમાં લીવ ઈન રિલેશનશિપનું ચલણ વધી શકે છે. સરકાર જો આ મુદ્દે ગંભીરતાથી નહીં વિચારે તો આગામી દિવસોમાં લીવ ઈન રિલેશનશિપના મામલે અનેક અસમંજસતા ઊભી થશે અને આ પ્રકારના રિલેશનશિપમાં રહેનાર બંને યુવક-યુવતી માટે અનેક જોખમો વધશે તે નક્કી છે.