લીમખેડાની મોર્ડન સ્કૂલના 50 થી વધુ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર, હોસ્પિટલમાં દાખલ..
સાંજે કડી ખીચડી ખાધા બાદ બાળકોની તબિયત બગડતા શાળા સંચાલકોમાં દોડધામ, તાત્કાલિક 108 દ્વારા સારવાર અપાઈ.
દાહોદ :
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની રેસીડેન્સી શાળામાં 50થી બાળકોને ખોરાકી ઝેરની અસર થતા શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે શાળા સંચાલકોએ તમામ બાળકોને તાબડતોડ 108 મારફતે લીમખેડા સીએસસી સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આજે સવારે મળતી માહિતી મુજબ એક બાળકની હાલત ગંભીર છે, જ્યારે બાકીના બાળકોની સ્થિતિ સુધારા પર છે.
દાહોદ જિલ્લાના ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કુલ મંડોર (લુખડીયા) ની વિધાર્થિનીને જગ્યા ના હોવાથી લીમખેડા મોડેલ સ્કૂલમાં મૂકવામાં આવી હતી આજે 370 બાળકો માટે કડી ખીચડી શાક અને ચણાનું ભોજન બનાવવામાં આવ્યું હતું. જે ખાધા બાદ સંખ્યાબંધ બાળાઓ ફૂડ પોઇઝનીંગ નો શિકાર થઈ છે. આ અંગે શાળા સંચાલકોને જાણ થતા તેઓએ તાબડતોડ તમામ અસરગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ખસેડવા માટે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી. થોડીક જ વારમાં દેવગઢબારિયા અને લીમખેડા ની એમ્બ્યુલન્સ મોડેલ સ્કૂલના કમ્પાઉન્ડમાં પહોંચી હતી. અને તમામ બાળકોને સારવાર અર્થે લીમખેડા સીએસસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે. સત્તાવાર રીતે મળેલા માહિતી અનુસાર અત્યાર સુધીમાં 50થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થઈ છે. જેમાં એકાદ બે ને બાદ કરતા તમામની હાલત સુધારા પર છે. રેસીડેન્સી શાળાઓમાં શાળા સંચાલકો દ્વારા બાળકો માટે તાજા ખાવાનું બનાવવામાં આવે છે. જેનું મેનુ પણ ફિક્સ હોય છે. હવે આ બાળકોને કઈ વસ્તુ ખાવાથી ખોરાકની અસર થઈ છે. તે હવે તપાસનો વિષય છે.