Limkheda

લીમખેડા ખાતે ચાઈનીઝ દોરીનો કહેર : મોઢાના ભાગે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત, માંડ માંડ જીવ બચ્યો

લીમખેડા: લીમખેડા ખાતે ચાઈનીઝ દોરીથી ઘાયલ થવાનો વધુ એક ગંભીર બનાવ બન્યો છે. કાકરી ડુગરી ગામના બે યુવકો મોટરસાયકલ લઈને લીમખેડા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક માર્ગ પર લટકતી ચાઈનીઝ દોરી વાગતા એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે ફરી એકવાર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાકરી ડુગરી ગામનો રાજેશ ડાંગી નામના યુવક લીમખેડા આવતાં રસ્તામાં હતો ત્યારે અચાનક ચાઈનીઝ દોરી તેની સામે આવી ગઈ હતી. ઝડપમાં રહેલી મોટરસાયકલ પર દોરી સીધી યુવકના ચહેરા તરફ વાગી હતી. ખાસ કરીને હોઠના અંદરના અને બહારના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દોરી એટલી તીખી હતી કે થોડા સેકન્ડોમાં જ લોહીલુહાણ સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

ઘટનાની ગંભીરતા સમજી સાથી યુવકે તાત્કાલિક સમયસૂચકતા દાખવી મોટરસાયકલ અટકાવી અને આસપાસના લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ યુવકના હોઠના ભાગે અંદર અને બહાર મળી કુલ 15 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. સમયસર સારવાર મળી જતાં અને દોરી વાગતા સાથે જ વાહન રોકી દેવામાં આવતા યુવકનો જીવ માંડ માંડ બચી ગયો હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લીમખેડા પંથકમાં વેપારીઓ બેફામ રીતે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ વેચાતી આ ઘાતક દોરી અનેક નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થવાની સંભાવના છે.

સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ચાઈનીઝ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકીને આવા વેપારીઓને શોધી તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે. ઉતરાયણ નજીક આવી રહી છે ત્યારે ચાઈનીઝ દોરી કેટલા લોકોને ભોગ બનાવશે અથવા કેટલાના જીવ જશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમયસર કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી બની ગયું છે.


રિપોર્ટર:; દિનેશ શાહ લીમખેડા

Most Popular

To Top