5 લોકોએ મહિલા અને તેના પરિવાર પર કર્યો હુમલો
જાનથી મારી નાખવાની આપી ધમકી આપતા પોલીસે તપાસ હાથ ધરી
દાહોદ:
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બારા ગામમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેન્દ્ર નંબર 64માં નવા નિમાયેલા મહિલા સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે.
ઘટના 26 માર્ચ 2025ના રોજ બની હતી. અગાઉના સંચાલક જોરસિંગ નિનામાની નિવૃત્તિ બાદ આ જગ્યા ખાલી પડી હતી. પ્રિયંકાબેન ડાંગીની પ્રથમ નિમણૂક બાદ ફરિયાદીએ અપીલ કરતા નવા સંચાલક તરીકે ભુરીબેન નિનામાની નિમણૂક થઈ હતી.
કલેક્ટર ના હુકમથી નિમણુંક પામેલા નવા સંચાલક ભુરીબેન નિનામા હાજર થવા જતાં મુકેશ ભાભોર, કંપાબેન ભાભોર, સામાબેન ભાભોર, જુવાનસિંગ ભાભોર અને હર્ષદ ભાભોરે તેમને હાજર થતા અટકાવ્યા હતા, આરોપીઓએ શાળા તેમની હોવાનો દાવો કર્યો હતો અને તેઓએ મહિલા સંચાલક ભુરીબેનને પકડીને મારી હતી. મહિલા સંચાલકના બચાવમાં આવેલા તેમના સસરા જોરસિંગ મોતીને પણ માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ મહિલા સંચાલકને ધમકી આપી કે જો ફરીથી શાળામાં આવશે તો જીવતા નહીં છોડે તેમ કહેતા મહિલા સંચાલક ગભરાઈ ગઈ હતી.
ઘટના સમયે મહિલા સંચાલક સાથે તેમના સસરા જોરસિંગ, ચુનીયા હઠીલા અને રમેશ મોતી હાજર હતા. આરોપીઓએ અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો અને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ભયભીત થયેલ મહિલા સંચાલકે હુમલાખોરો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
