Limkheda

લીમખેડાના આકાશમાં રહસ્યમય રીતે 4થી 5 ડ્રોન ઊડતા દેખાયા


પ્રતિબંધ વચ્ચે રાતે 10:30થી 11:30 દરમિયાન ડ્રોન ઉડ્યાં, તપાસની માંગ
લીમખેડા: રાજ્ય સરકાર દ્વારા ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, લીમખેડા નગરમાં મંગળવારે રાત્રે 10:30 થી 11:30ના સમયગાળા દરમિયાન 4 થી 5 ડ્રોન આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. આ ડ્રોન નગરની ચારે દિશામાં ફરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પરંતુ આ ડ્રોન કોણ ઉડાવી રહ્યું હતું અને તેનો હેતુ શું હતો, તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. આ ઘટનાએ નગરમાં ચિંતા અને અસમંજસનું વાતાવરણ સર્જ્યું છે.


સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, રાત્રે ડ્રોનની હિલચાલ જોવા મળતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આવી ઘટનાઓ સતત બની રહી હોવાનું લોકોનું માનવું છે, જેના કારણે પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવી જોઈએ. રાજ્ય સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્રોન ઉડાડવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં આવી ગેરકાયદેસર હરકતો ચોંકાવનારી છે. ડ્રોનની આ હિલચાલ કયા ઉદ્દેશ્યથી થઈ રહી છે, તેની સાચી હકીકત બહાર લાવવી જરૂરી બની છે.
કેટલાક સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી છે કે આ ડ્રોન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, જેમ કે દેખરેખ કે અન્ય ગુનાહિત હેતુઓ માટે ઉડાવવામાં આવ્યા હોઈ શકે. આ ઘટનાએ સરકારના પ્રતિબંધના અમલીકરણ પર પણ સવાલો ઉભા કર્યા છે. નગરજનોનું કહેવું છે કે આવી હરકતો રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે.
સ્થાનિકો દ્વારા પોલીસને આ મામલે ઝડપી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ડ્રોન ઓપરેટરની ઓળખ અને તેમના હેતુની તપાસ થાય તો સાચી હકીકત બહાર આવી શકે છે. પોલીસ દ્વારા ત્વરિત તપાસ થાય તેવી અપેક્ષા નગરજનો રાખે છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને નગરમાં શાંતિ જળવાઈ રહે.

આ બાબતે પોલીસ કર્મચારી જીતેન્દ્રભાઈ (ટ્રાફિક વિભાગ)એ જણાવ્યું કે, “રાત્રે અમે ફરજ પર હતા ત્યારે ગામમાંથી ફોન આવ્યા હતા કે લીમખેડા નગરના આકાશમાં ડ્રોન ઉડી રહ્યા છે. અમે ગામમાં પહોંચીને આકાશમાં જોયું, પરંતુ અમને કોઈ ડ્રોન દેખાયા નહીં. જોકે, ગામના લોકોએ ઉતારેલા વિડીયોમાં ડ્રોન જોવા મળ્યા હતા. આ મામલે સાહેબ તપાસ કરશે, જેથી સાચી હકીકત બહાર આવશે. હાલમાં વિડીયોના આધારે એવું લાગે છે કે ડ્રોન હતા.

Most Popular

To Top