લિસ્ટેડ બુટલેગર લાલુ સિંધી વડોદરા શહેર સહિત અન્ય સિટીના દારૂ, મારામારી હત્યાની કોશિષ અને ધમકી સહિતના 78 ગુનામાં ઝડપાયો છે અને 7 વાર પાસા પણ થઇ ચુકી છે. ત્યારે ફરીવાર બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરીને જામનગરની જેલમાં જાપ્તા સાથે મોકલી અપાયો છે.
વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવનાર લિસ્ટેડ બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાની (સિંધી) (રહે. રોયલહાઇટ્સ ધોબી તળાવની બાજુમાં વારસીયા) સામે માંજલપુર, મકરપુરા, સિટી, લક્ષ્મીપુરા, વારસીયા તેમજ નવસારી અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના 10થી વધુ ગુનામાં નાસતા ફરતા હોય ક્રાઇમ બ્રાન્ય દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તાજેતરમાં આરોપી તમામ ગુનાઓમાં જામીન પર મુક્ત થયો હતો. આરોપી વારંવાર દારૂના ગુનામાં સંકળાયેલો હોય ગેરકાયદે પ્રવૃતિ પર અંકુશ મેળવવામાં આવે માટે પીઆઇ આર જી જાડેજાએ પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ કમિશનર તરફ મોકલી આપી હતી. ત્યારે કમિશનર દ્વારા તેની સામે પાસા વોરંટ ઇસ્યુ કરાયું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાલુ સિંધીની આબુ રોડ ખાતે ઝડપી પાડીને પાસા હેઠળ અટકાયત કરીને જાપ્તા સામે જામનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સામે વડોદરા શહેર સહિત આણંદ, ભરૂચ, સાણંદ. પોલીસ સ્ટેશનમાં દારૂ, તેમજ ખુનની કોશિષ. મારામરી ધાકધમકી આપવાના 78 ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે 7 વાર પાસા હેઠળ ગુજરાતની જુદીજુદી જેલમાં પણ મોકલી આપવામાં આવ્યો હતો.