રીક્ષામાં સવાર એક જ પરીવારના 3 સદસ્યો ગંભીર રીતે ઘવાતા મોતને ભેટ્યા
પ્રતિનિધિ) નડિયાદ, તા.10
લિંબાસી નજીક વારૂકાંસ વિસ્તારમાં સીંજવાડાથી છઠ્ઠા માઈલ લગ્નપ્રસંગે જતા પરીવારને અકસ્માત નડ્યો છે. એક કારચાલકે રોંગસાઈડ આવી અને રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં ગંભીર રીતે ઘવાતા વૃદ્ધા અને તેનો પુત્ર તેમજ પૌત્રનું કરૂણ મોત થયુ છે.
માતરના સીંજવાડા ગામમાં રહેતા કુરૈશી પરીવારના સબંધિ છઠ્ઠા માઈલ રહે છે અને તેમના ત્યાં લગ્નપ્રસંગ હોય, આ કુરૈશી પરીવારમાંથી 57 વર્ષિય ઝહીરનબીબી, તેમનો પુત્ર ઈરશાદ તેની પત્ની નફીસાબાનુ અને સંતાનોમાં બે બાળકી ફીઝાબાનુ અને સાનિયાબાનુ તેમજ તેમનો પુત્ર અયાન અને ફરહાન તમામ રીક્ષામાં બેસી છઠ્ઠા માઈલ લગ્નમાં જવા નીકળ્યા હતા. તેઓ વારૂકાંસ પાસે કેન એન્ડસ ઈન્ડિયા કંપની સામેથી પસાર થતા હતા, આ દરમિયાન ઈકો કાર નં. જીજે-01, આરજી-1954ના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. આ વખતે રીક્ષા ચલાવી રહેલા ઈરશાદ સહિત તેમના આખા પરીવારને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યાં ઝહીરનબીબી અને ઈરશાદને તો 108ની ટીમે સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. જે બાદ નફીસાબાનુ અને તેમના સંતાનોને ખેડા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જેમાં અયાનને અમદાવાદ સિવિલ ખસેડાયો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયુ છે. આમ, એક જ પરીવારમાંથી વૃદ્ધ માતા, તેમનો પુત્ર અને પૌત્ર એમ ત્રણ પેઢીના 3 સદસ્યોનું મોત થતા પરીવારના માથે આભ ફાટ્યુ છે. હાલ આ મામલે ઈરશાદના ભાઈએ લિંબાસી મથકે કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.