


વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂના વિવાદને લઈને ફરી એકવાર ઉગ્ર અથડામણ સર્જાઈ હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો, જેમાં બંને પક્ષના માથાભારે તત્વોએ જાહેરમાં તલવારો કાઢી એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત બંને જૂથોએ એકબીજા પર ભારે પથ્થરમારો પણ કર્યો હતો.
હિંસક અથડામણની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. ઝઘડામાં ઘાયલ થયેલા અનેક લોકોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે જેથી વિસ્તારમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. હાલ પોલીસે બંને જૂથના લોકો સામે સામસામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.