વોર્ડ નં. 17ના પાલિકાના અધિકારીઓના નેજા હેઠળ અભિયાન, 25 જેટલા લારી-ખુમચાના શેડ તોડી કાટમાળ કબજે
વડોદરા: વડોદરા શહેરમાં ગેરકાયદે કબજો દૂર કરવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બુધવારે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજથી પ્રતાપ બ્રિજ બગીચા સુધીના રસ્તા પર દબાણ શાખાની ટીમે મોટા પાયે અભિયાન હાથ ધર્યું હતું.

વોર્ડ નં. 17ના વોર્ડ ઓફિસર અને સ્ટાફના નેજા હેઠળ દબાણ શાખાની ટીમ પહોંચતા જ લારી-ખુમચા ચલાવતા વેપારીઓમાં હલચલ મચી ગઈ હતી. અહીં લાંબા સમયથી ગેરકાયદે રીતે ખાણીપીણી સહિતની લારીઓ ઉભી કરવામાં આવી હતી. તેના આગળ વેપારીઓએ પોતાના હિત માટે લોખંડની એંગલના શેડ ઉભા કરી દીધા હતા. મ્યુનિસિપલ તંત્રને આ અંગે વારંવાર જાહેર ફરિયાદો મળતા અંતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દબાણ શાખાની ટીમે 25 જેટલા શેડને તોડી પાડ્યા અને કબજે લઈ લીધા હતા. તંત્રે તમામ કાટમાળ હટાવીને કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં રેલવે કોલેજ સુધી મોટા પ્રમાણમાં લારીઓ અને ખુમચા ઉભા કરવામાં આવતા અવરજવર પર પણ અસર પડી રહી હતી. જેના લીધે પાલિકા તરફથી અનેક વખત ચેતવણી આપવામાં આવી હોવા છતાં વેપારીઓએ કાયદાનું ઉલ્લંઘન કરીને શેડ ઊભા કરેલાં.
નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે તંત્રની કાર્યવાહી બાદ થોડોક સમય આ માર્ગ પર રાહત મળશે. પરંતુ વારંવાર આવી પ્રવૃતિ પુનરાવર્તિત ન થાય તે માટે દબાણ શાખાએ કડક દેખરેખ રાખવી જરૂરી છે.