સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર થઈ ચર્ચા
ગતરોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં ન્યાય મંદિરના સેન્ટ્રલ હોલના રિનોવેશન અને લાલકોર્ટ બિલ્ડિંગને મ્યુઝિયમ તરીકે વિકસાવવાના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. આ બંને કામો માટેના ટેન્ડરો મંજૂર કરવાની દરખાસ્તો પર સ્થાયી સમિતિએ નામંજૂરી જાહેર કરી હતી.
સ્થાયી સમિતિમાં ન્યાય મંદિરના સેન્ટ્રલ હોલના રિનોવેશન માટે 37.54 કરોડના ખર્ચે ઇજારદાર સેવાણી હેરિટેજ કંઝરવેશન પ્રા. લિ.ને ટેન્ડર આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં 6.20 ટકા વધારાના ભાવનો સમાવેશ હતો. જોકે આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. અગાઉની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો હતો, જેમાં સત્તાપક્ષના જ મહિલા કોર્પોરેટર હેમિષા ઠક્કરે રિનોવેશનના ખર્ચ માટે સ્વર્ણિમ ગ્રાન્ટને ઉપયોગમાં લેવાની વિરુદ્ધમાં નિવેદન આપ્યું હતું.
લાલકોર્ટ બિલ્ડિંગ પરિસરને મ્યુઝિયમ તરીકે વિકસાવવાના કામ માટે 33.02 કરોડના ખર્ચે ઇજારદાર વામા કોમ્યુનિકેશનને ટેન્ડર આપવાની દરખાસ્ત પણ સમિતિએ નામંજૂર કરી હતી. દરખાસ્તમાં 11.82 ટકા વધારાના ભાવનો સમાવેશ હતો. સમિતિએ આ કામ માટે અલગથી ગ્રાન્ટ ફાળવવાના સુચન આપ્યા હતા. હેમિષા ઠક્કરે આ પ્રોજેક્ટ માટે અલગ ગ્રાન્ટ ફાળવવા સરકાર સાથે ચર્ચા કરવાની માગણી કરી હતી.
સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ થઈ હરણી તળાવ સુધીનો રસ્તો ગૌરવપથ તરીકે વિકસાવવાના કામે પણ રાજકીય ખટપટ બહાર આવી હતી. આ માટેના ટેન્ડરમાં 29 ટકા વધારા સાથે કામ ઇજારદાર મે. પી ડી કન્સ્ટ્રક્શનને સોંપવાનો પ્રસ્તાવ નામંજૂર કરવામાં આવ્યો હતો.
સ્થાયી સમિતિએ શહેરમાં ભૂગર્ભ જળસંપત્તિ વધારવા માટે 20 કરોડના ખર્ચે વિવિધ જગ્યાએ ડીપ રિચાર્જ બાય રેઇનવોટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પહેલ સમગ્ર શહેરમાં પાણીના સંકટને દૂર કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં સત્તા પક્ષના જ કોર્પોરેટરોએ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીને લઈને રજૂઆત કરી હતી.