શહેરમાં ટ્રાફિક અને લારીગલ્લાની સમસ્યાને લઈ મહાપાલિકામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
પાર્કિંગ વ્યવસ્થા બનાવવા દરેક વોર્ડમાં નવા પાંચ પ્લોટની યાદી તૈયાર કરવા આદેશ
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા, લારીગલ્લાની ગેરકાયદેસર વસાહત અને પાર્કિંગની સુવિધાને લઇ મહત્વની બેઠક યોજાઈ હતી. સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસી અમલમાં મૂકે તે માટે રચાયેલ સમિતિની આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જાહેર માર્ગો પર વેપાર કરતા લારીગલ્લા સહિત શાકમાર્કેટનું સર્વે કરીને હોકિંગ અને નોનહોકિંગ ઝોનની યાદી તૈયાર કરવાનો નિર્ણય લેવાયો. સાથે પાલિકાના પ્લોટોની વિગતો એકત્ર કરીને હોકિંગ ઝોનમાં ધંધારોજગાર માટેનો સમય, લાઈસન્સની મર્યાદા, માળખાગત સુવિધાઓ, સાઈનબોર્ડ, ફીના ધોરણો અને પ્લાસ્ટિક બેગના ઉપયોગ સામે નિયંત્રણ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી. પાર્કિંગની સુવિધા ઊભી કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા બનાવવા તેમજ દરેક વોર્ડમાં નવા પાંચ પ્લોટની યાદી તૈયાર કરવા સહિત કેટલાક બ્રિજ નીચે પાર્કિંગ વિકસાવવા અંગે ચર્ચા થઈ. સમિતિના સભ્યો દ્વારા સંબંધિત અધિકારીઓને કામગીરી અને સર્વે ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી.