Vadodara

લાયકાત વિહિન કુલપતિઓની નિમણૂકથી શિક્ષણ વ્યવસ્થાને નુકસાન : કોંગ્રેસ

વડોદરા શહેર કોંગ્રેસે ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો




વડોદરા શહેર કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે છેલ્લા ૧૫ વર્ષમાં ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં લાયકાત વિહિન કુલપતિઓની નિમણૂક કરવામાં આવી છે, જેનાથી રાજ્યનું ઉચ્ચ શિક્ષણ પ્રણાલી ખોરવાઈ ગઈ છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોંગ્રેસે દાવો કર્યો કે એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શ્રીવાસ્તવ લાયકાત વિહિન હોવા છતાં નિમણૂક આપવામાં આવી હતી, અને હાઈકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ રાજીનામું આપવું પડ્યું. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શિરીષ કુલકર્ણીની નિમણૂક સુપ્રીમ કોર્ટે રદ કરી હતી, કારણ કે તેમની નિમણુક પણ યુ.જી.સી.ના ધોરણોના વિરૂદ્ધ હતી. આ જ રીતે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચેતન ત્રિવેદી, ટીચર્સ યુનિવર્સિટીના હર્ષદ પટેલ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના હર્ષદ શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિતિન પેથાણી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના અમીબેન ઉપાધ્યાય, ભાવનગર યુનિવર્સિટીના એસ.એન. ઝાલા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શૈલેન્દ્ર ગુપ્તા આ તમામ કુલપતિઓ પર લાયકાત વિહિન હોવાના અને નિયમોને ઉલ્લંઘન કરીને નિમણૂક થવાના આરોપો છે.



કોંગ્રેસે આ મામલે ભાજપ સરકાર પર શિક્ષણ નીતિ સાથે છેડછાડ કરવાનો આક્ષેપ કરતા જણાવ્યું કે આર.એસ.એસ. અને ભાજપ દ્વારા ભગીની સંસ્થાઓના વ્યક્તિઓને ઉચ્ચ પદો પર બેસાડવા માટે શિક્ષણની ગુણવત્તાને બલિ ચઢાવવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોમાં સરકારે શૈક્ષણિક લાયકાતોનું પાલન કરવું જરૂરી હોવાનું સ્પષ્ટ કરી ચૂક્યા છે, છતાં સરકાર દ્વારા તેની અમલવારી ન થતી હોય તેવુ લાગી રહ્યુ છે. સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે અને લાયકાત વિહિન કુલપતિઓને તાત્કાલિક તેમના હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરી છે.

Most Popular

To Top