( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વાઘોડિયા સંબંધીની તબિયત જોવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કિશોરને વડોદરાની સયાજી હોસ્પિટલમાં યોગ્ય સારવાર નહીં મળી હોવાના કારણે તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી.


વડોદરાના ઠાસરાના ભીલાલા પરિવારના ત્રણ સભ્યો તેમના સબંધીને જોવા માટે વાઘોડિયા ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલ ખાતે ટુ-વ્હીલર પર જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થઇ હતી. જેમને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, ત્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા 14 વર્ષીય સંજય ભીલાલાનું મોત થયું હતું. ત્યારે,આ મામલે પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં લાપરવાહી, યોગ્ય સારવારનો અભાવ અને એમ્બ્યુલન્સની સેવાના અભાવ અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૃતકના ભાઈ નાનુંરામે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં, એ લોકોએ અમને જણાવ્યું કે, આ ભાઈને પગની નસ ચાલતી નથી. જેથી તમારે અમદાવાદ ખસેડવું પડશે પણ અહીંયા કોઈ સારવાર આપી નહિ, ના બોટલ ચઢાવ્યો, માત્ર પાટા પિંડી કરી અને રહેવા દીધું અને દર્દી પણ જેવી તેવી હાલતમાં પડી રહ્યો. આ ઇમરજન્સી કેસ કહેવાય, કોઈ સારવાર કરી નથી. અમે જાણ કરી કે અમને એમ્બ્યુલન્સ કરી આપો ઇમર્જન્સી કેસ લખી આપો તો અમે ડાયરેક્ટ અમદાવાદ લઈ જઈએ. તો આ લોકોએ કે એની માટે ત્રણ ચાર કલાક પ્રોસિજર થશે તોજ એમ્બ્યુલન્સ મળશે. એના કરતાં તમે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ લઈ લો કારણ કે અહીંથી એમ્બ્યુલન્સ મળતા ચાર કલાક થશે અને આમ દોડાદોડી કરતા કરતા બે કલાક મોડું થઈ ગયું. ત્યારબાદ અમને એમ્બ્યુલન્સ આપી અને અંતે મારા કાકાના દીકરા નું નિધન થયું હતું. સયાજી હોસ્પિટલની લાપરવાહીના કારણે જ આ ઘટના બની હતી.