Vadodara

લાઈટ ચાલુ કરતા જ મરણમુખી વિસ્ફોટ! બંધ ઘરમાં ગેસ લીકેજથી વૃદ્ધ ગંભીર રીતે દાઝ્યા

અલવાનાકા GIDC કોલોનીમાં ભયાનક અકસ્માત – ધડાકાથી દરવાજા ઉડી ગયા, કાચ તૂટી પડ્યા


(પ્રતિનિધિ), વડોદરા. તા.22
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અલવાનાકા GIDC કોલોનીમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. બંધ મકાનમાં ગેસ સિલિન્ડરમાંથી થયેલા લીકેજ બાદ, ઘરમાં પ્રવેશતાં જ લાઈટ ચાલુ કરતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક બ્લાસ્ટમાં 63 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા છે, જ્યારે ઘરના દરવાજા અને તિજોરીના કાચ સુધી તૂટી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, GIDC કોલોનીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા શંકરભાઈ લાલાભાઈ પટેલ (ઉ.વ. 63) એકલા રહે છે. ગત રોજ તેઓ રોજિંદા નિયમ મુજબ નોકરીએ ગયા હતા. આ દરમિયાન ઘરમાં રાખેલી નવી ગેસ સિલિન્ડરમાંથી અજાણતા લીકેજ શરૂ થયું હતું. મકાન બંધ હોવાથી ગેસ અંદર જ ભરાઈ ગયો હતો.
રાત્રે જ્યારે શંકરભાઈ નોકરીથી પરત ફર્યા અને ઘરમાં પ્રવેશ્યા, ત્યારે અંધારામાં લાઈટ ચાલુ કરતાં જ સ્વીચમાંથી નીકળેલા સ્પાર્કના કારણે રૂમમાં ભરાયેલો ગેસ ભડકી ઉઠ્યો હતો. જોતજોતામાં જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો, જેના કારણે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે દાઝેલા શંકરભાઈને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે.
આ ઘટના અંગે માહિતી મળતા જ GIDC ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં નવી ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. માંજલપુર પોલીસ દ્વારા પણ મામલો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top