પાલિકાની દબાણ શાખા અને શહેર પોલીસની સંયુક્ત કાર્યવાહી
લહેરીપુરા દરવાજાથી લહેરીપુરા રોડ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોચેલી ટીમને જોઈ દબાણકારોમાં નાસભાગ
વડોદરા: વડોદરા શહેરમાં વધતા ટ્રાફિકને અવરોધરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાએ ફરી કમર કસી છે. ગુરુવારે વહેલી સવારથી જ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે લહેરીપુરા વિસ્તાર તરફ કાર્યવાહી હાથ ધરી હતી. લહેરીપુરા દરવાજાથી લઈ લહેરીપુરા રોડ સુધીના ફૂટપાથ, રસ્તા અને માર્ગ પર કરવામાં આવેલા દબાણો દૂર કરતા લારી ગલ્લા ધારકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ કામગીરી દરમ્યાન વડોદરા શહેર પોલીસ પણ પાલિકાની ટીમ સાથે હાજર રહી હતી. દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થતા જ ઘણા દબાણકર્તાઓ પોતાની લારીઓ, ઠેલાઓ અને સામાન ઝડપથી સમેટીને સ્થળેથી ભાગતા જોવા મળ્યા હતા. કેટલાક વેપારીઓએ જાતે જ દબાણ હટાવીને સહકાર આપ્યો હતો, તો કેટલાકે તાત્કાલિક સ્થળ ખાલી કરી દીધું હતું.

પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે લહેરીપુરા વિસ્તાર શહેરના મુખ્ય સ્થળોમાંના એક તરીકે ઓળખાય છે અને અહીં રોજબરોજ ભારે પ્રમાણમાં ટ્રાફિક રહે છે. ગેરકાયદેસર દબાણો, ફૂટપાથ અને રસ્તા પરના ઠેલા- લારીઓના કારણે વાહનવ્યવહારને ભારે અડચણો ઊભી થતી હતી. વારંવારની નાગરિકોને અપીલ બાદ પાલિકાની દબાણ શાખાએ આજે આ કાર્યવાહી હાથ ધરી હતી.

પાલિકાનું કહેવું છે કે આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવા દબાણો દૂર કરાશે અને દબાણકર્તાઓ સામે કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવશે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર માર્ગો અને ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ ન કરે, જેથી વાહનવ્યવહાર સરળ બની રહે તેમજ અકસ્માતોની સંભાવના ઓછી થાય.