ભર બજારે બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી, તમાશો જોવા ટોળેટોળા ઉમટ્યા
ઝઘડામાં એક મહિલા પોલીસ કર્મચારી હોવાની ચર્ચા: ચોકીમાંથી દોડી આવેલા પોલીસે મામલો થાળે પાડ્યો, વીડિયો વાયરલ


વડોદરા શહેરના ભરચક ગણાતા વિસ્તારમાં આવેલા લહેરીપુરા પોલીસ ચોકીના ગેટ પાસે જ જાહેર માર્ગ પર બે મહિલાઓ વચ્ચે થયેલી ઝપાઝપીના દ્રશ્યોએ ચકચાર જગાવી છે. બજાર વચ્ચે જ બંને મહિલાઓએ એકબીજા પર છૂટા હાથની મારામારી કરી હતી, જેના કારણે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મારામારીમાં સંડોવાયેલી બે મહિલાઓમાંથી એક મહિલા પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના પોલીસ ચોકીના ગેટ પાસે જ બની હોવાથી ચોકીમાં હાજર પોલીસ કર્મચારીઓનું તુરંત ધ્યાન ગયું હતું.
પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને બંને ઝઘડતી મહિલાઓને છૂટી પાડી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જાહેરમાં, ખાસ કરીને પોલીસ ચોકીના ગેટ પાસે જ, આ પ્રકારે મહિલાઓ વચ્ચે મારામારી થવી અને તેમાં પણ એક મહિલા પોલીસ કર્મચારી સામેલ હોવાની માહિતી બહાર આવતા, કાયદાના રક્ષકોની કામગીરી અને શિસ્તબદ્ધતા પર સવાલો ઊભા થયા છે. પોલીસે હાલમાં બંને મહિલાઓને છૂટી પાડીને મામલો શાંત પાડ્યો છે, પરંતુ આ મારામારી કયા કારણોસર થઈ હતી અને તેમાં મહિલા પોલીસ કર્મચારી શા માટે સંડોવાયા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે લોકોમાં પણ કુતૂહલ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.