આસપાસના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો
એમજી રોડ પર ચાર દિવસમાં દુકાનમાં આગ લાગવાની વધુ એક ઘટના
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા શહેરના લહેરીપુરા દરવાજા પાસે આવેલી પરફ્યુમની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હતી. જેના કારણે આસપાસના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ સંભાળી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

વડોદરા શહેરમાં એમજી રોડ પર ચાર દિવસમાં બીજી એક દુકાનમાં આગ લાગવાની ઘટના આજે બની હતી. અગાઉ એક ડ્રેસ મટીરીયલની દુકાનમાં આગ લાગી હતી. ત્યારે, રવિવારે સવારે લેહરીપુરા દરવાજા નજીક આવેલી પેરેમાઉન્ટ પરફ્યુમની દુકાનમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર દુકાન માલિક દ્વારા દુકાન ખોલી સ્વીચ ચાલુ કરતાં જ અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી.

આગને પગલે તાત્કાલિક દુકાનમાં હાજર કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. જ્યારે આસપાસ આવેલી અન્ય દુકાનના વેપારીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં આવતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. સબ ફાયર ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, ન્યાયમંદિર લેહરીપુરા દરવાજાની બાજુમાં પરફ્યુમની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ અમે ઘટના સ્થળ પર આવી આગને ઓલવી નાખી છે. સંપૂર્ણ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ જાનહાની થઈ નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું.