Vadodara

લહેરીપુરા થી ગેંડીગેટ સુધી દબાણ પર કડક કાર્યવાહી કરતા વેપારીઓમાં ફફડાટ

પોલીસની હાજરીમાં મહાનગર સેવા સદનની દબાણ શાખાનો દબદબો

લારી-ગલ્લા અને ગેરકાયદેસર સેડ પાર્કિંગ દૂર કરાયા

વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા શહેરીજન માટે અવરજવર સરળ બનાવવાના હેતુથી ગેરકાયદેસર દબાણો સામે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુરુવારે શહેરના મધ્યમાં આવેલ લહેરીપુરા દરવાજા થી ગેંડીગેટ દરવાજા વિસ્તાર સુધી દબાણ હટાવવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી વોર્ડ નંબર 14 ચાર દરવાજા વિસ્તારમાં નજીક શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન સ્થાનિક પોલીસ ટીમ પણ દબાણ શાખાની સાથે જોડાઇ કામગીરીમાં સહભાગી બની હતી. આ ઓપરેશન દરમિયાન માર્ગ ઉપર અવરોધ ઉભા કરતા લારી-ગલ્લા, સેડ પાર્કિંગમાં ઊભા કરાયેલા અવાંછિત સાધનો સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં હતા.
દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચતા જ દબાણ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. અનેક વ્યવસાયિકોએ પોતાના સ્ટૉલ અને લારી ગલ્લા તાત્કાલિક હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચન આપવામાં આવ્યું કે શહેરનાં માર્ગો પર અડચણરૂપ દબાણ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
નગરજનોને અવરજવર માટે અનુકૂળ વાતાવરણ મળે, ટ્રાફિક સુચારુ રીતે કાર્યરત રહે તેમજ માર્ગ સલામતી જાળવાય તે માટે મહાનગર સેવા સદન આ પ્રકારની કાર્યવાહી નિયમિત રીતે હાથ ધરે છે. તંત્રએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ રહેશે.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાથ ધરાતી આવી કાર્યવાહી કાયમ ચાલુ રહે તેમ નાગરિકો જણાવ્યું હતું. પરંતુ પાલિકા એક દિવસ કાર્યવાહી કરી પછી નિરીક્ષણ કરતા નથી જેના કારણે દબાણકર્તા ફરી મૂળ સ્થિતિ માં આવી જાય છે અને રોડ રસ્તા વાહન વ્યવહાર માટે નાના થઈ જાય છે, જેથી ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે.

Most Popular

To Top