Vadodara

લહેરા દો.. રાષ્ટ્રભક્તિના જનસાગર સાથે તિરંગાના વૈભવથી વડોદરાનો વટ પડ્યો

તિરંગા યાત્રા – ૨૦૨૫ : ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા ; સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’*
*ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો હજારો વડોદરાવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ*
***
*ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું*
***
*માનવ મહેરામણના અદમ્ય ઉત્સાહને વંદન, વડોદરા શહેરના ખૂણે-ખૂણે દેશભક્તિનો રંગ જામ્યો છે: ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી*
વડોદરા: સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત સોમવારની સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં સૌ વડોદરાવાસીઓએ સહભાગી થઈને દેશની આન, બાન અને શાન સમા તિરંગાનું ગૌરવ ગાન કર્યું હતું. અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહની સાથે અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ ‘તિરંગા યાત્રા’માં હર્ષભાઈ સંઘવી સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને મેયર પિન્કીબેન સોની સહભાગી થયા હતા.

તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા વડોદરાવાસીઓના અદમ્ય ઉત્સાહને વંદન કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, વરસાદી માહોલમાં પણ વડોદરાવાસીઓમાં તિરંગા યાત્રા માટે અનેરો થનગનાટ છે. વડોદરા શહેર સ્વચ્છ શહેર તરીકે ઓળખાય છે, તેમ કહીને તેમણે હર ઘર તિરંગાની જેમ હર ઘર સ્વચ્છતા જાળવવા હાંકલ કરી હતી. વડોદરાના ખૂણે-ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતા લોકજુવાળને હું વંદન કરું છું, અભિનંદન પાઠવું છે, તેમ સંઘવીએ જણાવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવલખી મેદાન ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું.



સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, શહીદ ભગતસિંહ ચોક (ન્યાય મંદિર), સુરસાગર તળાવ થઈને મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે સમાપ્ત થઈ હતી. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી, તેમ તેમ લોકોનો ઉત્સાહ બેવડાતો હતો. રૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા માટેનો આવકાર અને વધામણા જોઈને સંઘવી ગદગદ થઈ ગયા હતા.

સંઘવીએ શહીદ ભગતસિંહ ચોક ખાતે યાત્રાને થંભાવીને ક્રાંતિવીર શહીદ ભગતસિંહને નમન કરીને પુષ્પાંજલી આપી હતી. મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ભવ્ય આતશબાજી અને ભારત માતાની જયઘોષ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી. યાત્રાના રૂટમાં ૧૦ થી વધારે સ્ટેજ પર ગરબા અને દેશભક્તિ સાથે વિવિધ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી.

આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ, શ ચૈતન્યભાઈ દેસાઈ, કેયુરભાઈ રોકડીયા, ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલભાઈ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, શાસક પક્ષના દંડક શૈલેષભાઈ પાટીલ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, કાઉન્સિલર, વડોદરા મનપાના અધિકારી, વડોદરા શહેર પોલીસ-ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, એન. ડી. આર. એફ.ના જવાનો, એન. સી. સી. કેડેટ્સ, મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બન્યા હતા.
*૦૦૦*

Most Popular

To Top