કોથળા અને માટી નાખીને સમગ્ર ઘટના પર ઢાંક પીછોળો કર્યો હોવાના આક્ષેપ :
કંપનીના મેન ગેટ ઉપર તાળું મારેલું હોય છે અને અંદર કેમિકલનું કામ ચાલતું હોય છે : હાર્દિક કુશ્વાહા


( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા જિલ્લાના લસુન્દ્રા ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. ગેસ લિકેજને કારણે બાજુમાં આવેલી કંપનીના કામદારોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જ્યારે, કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં ગેસ લીકેજ થતા મેનેજમેન્ટ હરકતમાં આવ્યું હતું અને લીકેજ કંટ્રોલ કરવા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટના પર ઢાંકપીછોળો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ બાજુમાં આવેલી એક કંપનીના કામદારે કર્યા હતા.
વડોદરા જિલ્લાના લસુન્દ્રા ગામ નજીક આવેલી શાર્પ પેટ્રોકેમ નામની ખાનગી કંપનીમાં અચાનક ગેસ લીકેજની ઘટના બની હતી. કેમિકલ ઉત્પાદન કરતી આ કંપનીમાં ગેસ લીકેજ થવાને કારણે આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક ગેસ લીકેજની જાણ થતા જ કંપનીનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગેસને કાબુમાં લેવા પ્રયત્ન હાથ ધર્યા હતા. જ્યારે બીજી તરફ કંપનીની બાજુમાં આવેલી અન્ય એક પોપ્યુલર નામની કંપનીના કામદારે શાર્પ પેટ્રોકેમ કંપની સામે આક્ષેપ કર્યા હતા. કંપનીના કામદાર હાર્દિક કુસ્વાહાએ જણાવ્યું હતું કે, સવારે 5:00 વાગ્યાના અરસામાં કેમિકલ લીકેજ થયું હતું અને તેનો જે ધુમાડો અમારી કંપની સુધી પ્રસર્યો, જેના કારણે અમારી કંપનીમાં કામ કરતા કામદારોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. અવારનવાર આવી ઘટના શાર્પ પેટ્રોકેમ કંપનીમાં બન્યા કરે છે. અમે એમના સ્ટાફને જાણ કરવાનો પ્રયત્ન કર્યો પણ એમણે કોઈ અમને સારો જવાબ આપ્યો નથી અને આ વાતને દબાવવાનો પ્રયાસ તેમણે કર્યો હતો. શાર્પ પેટ્રોકેમ કંપનીના મેન ગેટ ઉપર તાળું મારેલું હોય છે અને અંદર કેમિકલનું કામ ચાલતું હોય છે. જેના કારણે અમને વારા ઘડીએ તકલીફ થઈ રહી છે. જેથી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અને આવી ઘટના અવારનવાર ન બને તેની ખાસ કાળજી રાખવામાં આવે તેવી અમારી માંગણી છે. કંપનીના માલિકે ફોન ઉપર ઉડાઉ જવાબ આપ્યો હતો. એમનું કહેવું છે કે, રાત્રે અમારો ઓપરેટર આવ્યો હતો એણે કંઈ કર્યું છે એના કારણે થયું હશે એવા જવાબ આપ્યા અને જે ડ્રમ માંથી ધુમાડો નીકળ્યો એના પર કોથળા અને માટી નાખીને સમગ્ર ઘટના પર ઢાંક પીછોળો કર્યો હતો.