વડોદરા:બોડેલી રોડ પર કાર ચાલકને ઝોકુ આવી જતા પુર ઝડપે પસાર થતી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. ચાલકની બાજુમાં બેસેલા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
વાઘોડિયા નજીક આવેલા લીમડા ગામમા આવેલ અપોલો કંપની સામે સિવાય રેસીડેન્સીમાં રહેતા હિન્દુ કુમાર હસમુખભાઈ નાયકે ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બોડેલી ખાતે તેમના સંબંધીના ઘરે લગ્ન પ્રસંગ હતો. જેથી 17મી તારીખે લગ્ન પ્રસંગ પતાવીને તેમની જ્ઞાતિના રાહુલ રાજુભાઈ નાયકા વિરેન્દ્ર નાયકા અને કુવરસિંહ ઉર્ફે પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલ (રહે: નવી નગરી,આજોડ) સહિતના પાંચ લોકો સ્વીફ્ટ કારમાં વડોદરા પરત ફરતા હતા બપોરે બોડેલી રોડ પરથી કાર વડોદરા પરત ફરી રહી હતી. ત્યારે 4:30 વાગે કાર ચાલકને ઝોકુ આવી ગયું હતું જેના કારણે પૂર ઝડપે પસાર થતી કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ધડાકાભેર ઝાડમાં અથડાઈ હતી. અકસ્માતના પગલે અંદર બેઠેલા લોકો ને ઈજાઓ પહોંચી હતી ચાલકની બાજુમાં બેઠેલા કુંવરસિંહ ને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા. વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે વિરેન્દ્ર ભાઈ ને પગમા ઇજાઓ પહોંચી હતી અને રાહુલભાઈને શરીરે ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના ગુનાની ફરિયાદ આધારે પીએસઆઇ એસ એમ ખેરે જણાવ્યું હતું કે માનવતા ધોરણે મૃતકના પરિવારજનોના હજુ નિવેદનો નોંધાયા નથી. મૃતક ના પિતા કલર કામ નો કોન્ટ્રાક્ટ લે છે. તેમાં પુત્ર મદદ કરતો હતો અશુભ પ્રસાદ ની વિધિ બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.