Vadodara

લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે

સૂર્ય ધન રાશિમાં પ્રવેશતા માંગલિક કાર્યો પર એક મહિના સુધી રોક

વડોદરા:
દિવાળીના તહેવાર બાદ શહેરમાં લગ્ન અને અન્ય માંગલિક પ્રસંગોની ધૂમ મચી હતી, પરંતુ હવે આ ઉજવણીઓ પર એક મહિના માટે વિરામ આવવાનો છે. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 16 ડિસેમ્બર, 2025ના રોજ વહેલી સવારે 4.20 વાગ્યાથી ‘ધનાર્ક કમુરતા’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યોતિષ ગણતરી અનુસાર, સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરતાની સાથે કમુરતા શરૂ થશે, જે 14 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 3.08 વાગ્યે મકરસંક્રાંતિ સાથે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન લગ્ન સહિત તમામ શુભ અને માંગલિક કાર્યો વર્જિત ગણાય છે.

લગ્ન, ગૃહ પ્રવેશ અને નવા વ્યવસાય પર રોક

વડોદરાના જ્યોતિષીઓના મતે, કમુરતા દરમિયાન સૂર્ય ગુરુની રાશિમાં હોવાથી તેનું શુભ બળ ક્ષીણ થાય છે. પરિણામે લગ્ન, સગાઈ, વાસ્તુ પૂજન, ગૃહ પ્રવેશ, મિલકતની ખરીદી-વેચાણ તેમજ નવા વેપાર-ધંધાના આરંભ જેવા સ્થાયી કાર્યો કરવામાં આવતા નથી.
આ કારણે શહેરના પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ અને લગ્ન સ્થળો પર પણ હવે એક મહિના સુધી શાંતિ જોવા મળશે. જાન્યુઆરીના મધ્ય ભાગ પછી ફરીથી શુભ મુહૂર્તો શરૂ થતાં શહેરમાં ફરી માંગલિક ધમધમાટ જોવા મળશે.

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, સૂર્ય જ્યારે ધન (ગુરુની રાશિ)માં પ્રવેશ કરે છે ત્યારે તેને ‘ધનાર્ક કમુરતા’ કહેવાય છે. આ સમયગાળામાં કરાયેલા શુભ કાર્યોનું પૂર્ણ ફળ મળતું નથી, તેથી પરંપરાગત રીતે લોકો આ સમયને ધાર્મિક સાધના અને પુણ્યકર્મ માટે ઉપયોગમાં લે છે.
કમુરતા દરમિયાન પૂજા-પાઠ, દાન-ધર્મ, તીર્થયાત્રા અને દેવ દર્શન જેવા કાર્યો વિશેષ શુભ માનવામાં આવે છે.

14 જાન્યુઆરી, 2026ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા (ઉત્તરાયણ) કમુરતા પૂર્ણ થશે અને તે સાથે જ ફરીથી લગ્ન અને અન્ય માંગલિક પ્રસંગોના શુભ મુહૂર્તો શરૂ થશે.

🔲 આચાર્ય અને કર્મકાંડ વિદ્વાન નયન શાસ્ત્રીજી કહે છે:

> “16 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે, જે ગુરુની રાશિ છે. આ સમયગાળો શુભત્વની દૃષ્ટિએ ‘મલમાસ સમાન’ માનવામાં આવે છે. આ દરમ્યાન વૈવાહિક સંબંધો, ગૃહ પ્રવેશ કે અન્ય સ્થાયી કાર્યો કરવાથી તેનું બળ ઘટે છે. આ એક મહિના દરમિયાન દાન-ધર્મ, તીર્થયાત્રા અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી વિશેષ ફળદાયી છે.”
🔲 ગણના વિશેષજ્ઞ જ્યોતિષ વિદ્વાન આશિષ દવે જણાવે છે:

> “ઘણા લોકો પૂછે છે કે કમુરતામાં શું કરી શકાય? આ સમય દરમિયાન પૂજા-પાઠ, કથા-વાર્તા, ભાગવત સપ્તાહ અને રોજિંદી ધાર્મિક ક્રિયાઓ કરી શકાય છે. પરંતુ નવા કરારો, મોટી મિલકત ખરીદી, મુંડન સંસ્કાર જેવા કાર્યો વર્જિત છે. આ સમય આત્મચિંતન અને ભક્તિ માટે ઉત્તમ ગણાય છે.”

Most Popular

To Top