Vadodara

લગ્નની લાલચ આપી પીઆરઓ મહિલા પર દુષ્કર્મ

બાપોદ પોલીસે આરોપીને હસ્તગત કર્યો

પ્રતિનિધિ : વડોદરા | તા.27
વડોદરા શહેરમાં કેટરર્સમાં પીઆરઓ તરીકે કામ કરતી મહિલાને લગ્નની લાલચ આપી યુવકે હોટલ તેમજ તેના ઘરે લઈ જઈ વારંવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. મહિલાનો વિશ્વાસ કેળવી નવો ધંધો શરૂ કરવાનો બહાના બનાવી આરોપીએ તેણી પાસેથી રૂ. 3.48 લાખ પડાવી રાજસ્થાન ભાગી ગયો હતો. મહિલાની ફરિયાદના આધારે બાપોદ પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં રહેતી એક દીકરીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે છેલ્લા પાંચ વર્ષથી કેટરર્સમાં પીઆરઓ તરીકે મેનપાવર સપ્લાયનું કામ કરે છે અને લગ્ન પ્રસંગોમાં યુવતીઓ સાથે જાય છે. 16 જૂનના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં વડોદરામાં એક લગ્ન પ્રસંગ દરમિયાન પીઆરઓ તરીકે હાજર હતી. તે સમયે હિતેષ વાલચંદ લબાણા (રહે. બ્લોક નં. 11, મહાશક્તિ વુડાના મકાન, પાણીની ટાંકી સામે, વડોદરા શહેર; મૂળ વતન રાજસ્થાન) સાથે તેની ઓળખાણ થઈ હતી, જે ત્યાં મેનેજર તરીકે કામ કરતો હતો.
આરોપી કુંવારો અને ફરિયાદી વિધવા હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ હિતેષે મહિલાને લગ્ન કરવાની વાત કરી, જેના કારણે તેણીને તેના પર વિશ્વાસ આવી ગયો હતો. બાદમાં બંને અવારનવાર મળતા હતા. વર્ષ 2024માં આરોપી મહિલાને આજવા રોડ ઉપર આવેલી હોટલ માનસરોવર ખાતે લઈ ગયો હતો. તેણે લગ્નની લાલચ આપી મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફરિયાદ મુજબ આરોપીએ પાંચેક વખત હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગનું કામ રોજેરોજ મળતું નથી, તેથી નાસ્તાની દુકાન શરૂ કરવી છે. હાલ પૈસાની તંગી હોવાનું કહી તેણે મહિલાથી રૂ. 1.48 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને રોકડા રૂ. 2 લાખ લીધા હતા. ખોડિયારનગર ખાતે પંચમથી આગળ આવેલા કોમ્પ્લેક્ષમાં નાસ્તાની દુકાન શરૂ કરી હતી, પરંતુ બે મહિના બાદ દુકાન બંધ કરી દીધી હતી.
પછી પણ આરોપી અવારનવાર મહિલાને તેના રહેણાંક મકાન પર બોલાવી શારીરિક સંબંધ બાંધતો હતો. લગભગ પાંચ મહિના સુધી સંબંધ રાખ્યા બાદ જ્યારે મહિલાએ લગ્નની વાત કરી ત્યારે આરોપીએ પોતાના વતન રાજસ્થાન જઈ પરિવાર સાથે વાતચીત કરીને પરત આવવાની વાત કરી હતી. પંદર દિવસમાં પરત આવવાનો કહ્યા બાદ તે દોઢ વર્ષ પહેલા રાજસ્થાન ગયો હતો, પરંતુ આજદિન સુધી પરત ફર્યો ન હતો.
શરૂઆતમાં ફોન પર વાતચીત કર્યા બાદ આરોપીએ મહિલાને બ્લોક કરી દીધી હતી અને આપેલા રૂપિયા પણ પરત કર્યા નહોતા. મહિલા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માડાગામ ખાતે આરોપીના ગામે ગઈ હતી, જ્યાં તેના ભાઈ રાજેશ લબાણાએ લગ્નની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં કોઈ સંપર્ક થયો નહોતો. ફરી નવરાત્રી પહેલાં રાજસ્થાન ગઈ હોવા છતાં આરોપી મળ્યો ન હતો.
આ સમગ્ર મામલે મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હિતેષ લબાણાને હસ્તગત કરી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top