Vadodara

લક્ષ્મીપુરા રોડ પર સ્વામી વિવેકાનંદ હાઇટ્સના રહેવાસીઓનો હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ હલ્લાબોલ

સાત માળના બદલે 13 માળનું બિલ્ડીંગ ઊભું કરાયું, પાર્કિંગની જગ્યાએ દુકાનો, સાથે સાથે રહેવાસીઓ વીજબીલ અને પ્રાથમિક સુવિધાઓથી પરેશાન

લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1, 2 તથા 3ના રહેવાસીઓએ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ ક્યુબ કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રહેવાસીઓના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તબક્કે આપવામાં આવેલ ફ્લેટમાં સાત માળ ઇમારતનો પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં તળિયે ફક્ત પાર્કિંગ સુવિધા દર્શાવવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક અમલ દરમિયાન બાંધકામકર્તાઓ એ નિયમોને અવગણીને સાત માળથી ઉપર અચાનક જ 13 માળનું બિલ્ડિંગ ઊભું કરી દીધું હોવાનું રહેવાસીઓનો આક્ષેપ છે. તેટલુંજ નહી પાર્કિંગ માટે નિર્દેશિત જગ્યા પર અવૈધ રીતે દુકાનો બનાવી દેવાયાં હોવાના કારણે રહેવાસીઓને અવરજવર, વાહન પાર્કિંગ તથા સુરક્ષાની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે. રહેવાસીઓનું કહેવુ છે કે, રેસિડેન્શિયલ ઝોનને કોમર્શિયલમાં ફેરવી દેવામાં આવતાં તેમના મકાનનાં વીજબીલ પણ કોમર્શિયલ દરે આવી રહ્યાં છે, જે મોટો આર્થિક ભારરૂપ બની રહ્યો છે.


હાઉસિંગ બોર્ડ અને કન્સ્ટ્રક્શન કંપનીની આ સગડને કારણે લાંબા સમયથી લોકોને વિવિધ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોવાની લોકોએ વ્યથા વ્યકત કરી. સ્થાનીકોએ માંગ ઉઠાવી હતી કે તાત્કાલિક દુકાનો દૂર કરી પાર્કિંગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવે અને કોમર્શિયલ તરીકે વસૂલાતા બિલ રેસિડેન્શિયલ દરે વસૂલવામાં આવે.

વિરોધ દરમ્યાન રહેવાસીઓએ બોર્ડ અધિકારીઓને રજૂઆત કરી હતી કે જો અધિકારીઓ ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં ભરે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.

Most Popular

To Top