ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતી SSG હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે
વડોદરા: શહેરમાં બેફામ વાહન હંકારતા ચાલકોનો આતંક યથાવત રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા લકડીપુલ વિસ્તાર પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક સવારે રસ્તો ક્રોસ કરી રહેલી બે યુવતીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક યુવતીની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના લકડીપુલ વિસ્તારમાં રફતારનો કહેર જોવા મળ્યો હતો. એક બાઇક ચાલક પોતાની બાઇક પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો, તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી બે યુવતીઓને તેણે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બંને યુવતીઓ ફંગોળાઈને રોડ પર પડી હતી.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાઇક ચાલકે કેટલી બેદરકારીથી વાહન હંકારી યુવતીઓને અડફેટે લીધી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે. બીજી યુવતીને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
સ્થાનિક પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને બાઇક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. વધતા જતા અકસ્માતોને કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.