Charotar

લંપટ સાધુઓ સામે કાર્યવાહી કરો, વડતાલ મંદિરમાં હરિભક્તોનો હલ્લાબોલ

સ્વામીનો વ્યાભિચારી વીડિયો સામે આવતા હરિભક્તોમાં રોષ ભડક્યો

લંપટો સામે કાયદાનો દંડ ઉગામો નહીં તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.13
સ્વામીનારાયણ સંપ્રદાયના રાજ્યભરના હરિભક્તો ગુરૂવારે વડતાલ મંદિરમાં દોડી આવ્યા હતા. જ્યાં વડતાલ તાબાના એક સાધુ સામે દુષ્કર્મની ફરીયાદ મામલે વિરોધ નોંધાવતી વખતે આ હરિભક્તોને કાયદો અને ગાંધી બંને યાદ આવ્યા હતા. એટલુ જ નહીં, હરિભક્તોએ પાઠવેલા આવેદનપત્રમાં પણ જે મુખ્ય વાતો નોંધપાત્ર હતી, તેમાં પણ લંપટ સાધુઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અને જો કાર્યવાહી ન થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. એટલે મંદિરના અનુયાયીઓએ હવે મંદિરની શાખ બચાવવા માટે કાયદા અને ગાંધી બંનેની જરૂર પડી હોવાનું દેખાઈ રહ્યુ છે.
તીર્થધામ તરીકે જાણીતુ વડતાલ સ્વામીનારાયણ મંદિર ફરી વિવાદોમાં ઘેરાયુ છે. હાલ આચાર્ય રાકેશપ્રસાદ સ્વામીજી વડતાલ મંદિરની બાગડોર સંભાળી રહ્યા છે, ત્યારે ફરી એકવાર વડતાલ મંદિર વિવાદોમાં ઘેરાયુ છે. વડતાલ તાબાના એક સ્વામીનો વ્યાભિચારી વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી સાથે તેઓ શારીરિક સબંધ બાંધતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સાત વર્ષ જૂનો છે, પરંતુ યુવતીએ હિંમત દાખવી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મંદિરની શાખ પર સવાલ ઉઠતા અને સ્વામીનારાયણ મંદિરની આબરૂના લીરેલીરા ઉડતા હરિભક્તો ગિન્નાયા છે. જેના પગલે આજે હરિભક્તો વડતાલ મંદિર દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા હરિભક્તોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો. તો આ મૌન પ્રદક્ષિણા કરી હતી. તેમણે આવેદનપત્ર આપી અને આવા લંપટ સાધુઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વ્યાભિચારી સાધુઓ અને અગાઉ અનેક ખોટા કામોમાં નામ ખુલ્યા હોય તેવા સાધુઓ અને પાર્ષદો સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. તેમજ ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તેમ પણ રજૂઆત કરી છે. તો સાથે જ જો આ માંગણીઓ ન સંતોષાય તો હરિભક્તો દ્વારા ગાંધી માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે મંદિરની ભક્તિમાં લીન રહેતા હરિભક્તોને પોતાના જ સંપ્રદાયના લંપટ સાધુઓની લીલા જોઈ કાયદો અને ગાંધી બંને યાદ આવ્યા હોવાનું દેખાઈ રહ્યુ છે.

Most Popular

To Top