તબક્કાવાર નાણાંની ચૂકવણી બાદ આપેલા યુ.કે.લંડનના સ્પોન્સર વિઝા અને સર્ટિફિકેટ બનાવટી નિકળ્યા
ખેડૂતને પરત નાણાં ના ચેક પણ બાઉન્સ થતાં આખરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોધાઇ
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામના ખેડૂત પરિવારના બે સભ્યો લંડન હોવાથી ખેડૂતે પોતાના પરિવાર સાથે લંડન જવા માટે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વિઝા કન્સલ્ટન્ટનો સંપર્ક કર્યો હતો જ્યાં વિઝા કન્સલ્ટન્ટ દ્વારા યુ.કે.લંડનના વર્ક પરમિટ વીઝા તથા ડિપેન્ડન્ટ વિઝા માટે રૂ. 28 લાખની માંગણી કરતાં ખેડૂતે ઉછીના તેમજ પત્નીના ઘરેણાં ગિરવે મૂકી તબક્કાવાર નાણાંની ચૂકવણી કર્યા બાદ આપેલા યુ.કે.લંડનના વીઝા ઇમીગ્રેશનના બોગસ સર્ટિફિકેટ આપતાં ખેડૂતે પરત નાણાંની માંગણી કરી હતી જેની સામે આપેલા ચેક માંથી ફક્ત રૂ.5,30,000નો ચેક પાસ થયો હતો અને બાકીના રૂ. 22,70,000 તથા જરૂરી દસ્તાવેજો, અને વિઝા ન આપી છેતરપિંડી અંગેની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામના સહયોગ પાર્કમાં મકાન નંબર એ-50મા અલ્તાફ હુસૈન દિલાવરખાન પરમાર પોતાના પત્ની અને બાળકો સાથે રહી ખેતીકામ કરે છે તેમના માતા પિતા છેલ્લા દસેક વર્ષથી લંડનમાં રહેતા હોય અલ્તાફ હુસૈન પોતાના પત્ની અને બે બાળકો સાથે લંડન યુ.કે. જવાનું નક્કી કર્યું હતું અને પોતાના મિત્ર મયુર વાળંદની ઓળખાણથી વર્ષ -2023મા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી પાસેના સાલીન કોમ્પલેક્ષમા આવેલી ધ વર્લ્ડ વીઝા હબ ચલાવતા અને તરસાલીમા પરિશ્રમ સોસાયટીમાં રહેતા વીઝા કંસ્લટન્ટ તુષાર દિલીપભાઇ સપકાળને મળ્યા હતા તેમણે સૌ પ્રથમ અલ્તાફ હુસૈન ના પત્ની ફરજાનાબેનના લંડન યુ.કે.ના વર્ક પરમિટ વિઝા મંજૂર કરાવી બાકીના ત્રણનાં ડિપેન્ડન્ટ વિઝા કાઢી આપવા રૂ.25 લાખ તથા કાગળ ફાઇલ માટે અલગથી રૂપિયા 3લાખ મળીને કુલ રૂ 28 લાખની માંગણી કરી હતી જેથી અલ્તાફભાઇએ વર્ષ -2023મા તબક્કાવાર રીતે રૂ. 6,60,000બેન્ક એકાઉન્ટ મારફતે તુષાર સપકાળ તથા તેમના ભાગીદાર જયદીપ પટેલ અને સાવિત્રી તિવારીના ખાતામાં આપ્યા હતા તથા હાથ ઉછીના અને પત્નીના ઘરેણાં ગિરવે મૂકી ર.21,40,000રોકડેથી આપ્યા હતા સાથે જ અલ્તાફભાઇના પત્નીના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ,શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 12ની માર્કશીટ, લગ્ન નું પ્રમાણપત્ર પણ આપ્યા હતા આમ કુલ રૂપિયા 28 લાખ આપ્યા હતા જેની સામે સાવિત્રી તિવારીએ ચાર લંડન,યુ.કે.ના વિઝા ઇમીગ્રેશન સ્પોન્સર સર્ટિફિકેટ આપ્યા હતા તે ચકાસતા બોગસ જણાયા હતા જેથી અલ્તાફભાઇએ નાણાં પરત માંગતા પૈસા પરત આપવાની સહમતી દર્શાવી હતી જે અંગે રૂ.300ના સ્ટેમ્પ પેપર પર સમજૂતી કરાર કરાયો હતો અને તુષાર સપકાળે રૂ.5,70,000નો ચેક તથા ગુગલ પે મારફતે રૂ.30,000 આપવાનું જણાવ્યું હતું સાથે જ સાવિત્રી તિવારીએ ત્રણ ચેક જેમાં રૂ. 4,80,000, રૂ.3,00,000 અને રૂ. 6,00,000 અને ગુગલ પે થી રૂ.20,000મળીને કુલ રૂ.14 લાખ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ ચેક નાખતા ફક્ત રૂ. 4,80,000નો ચેક જમા થયો હતો અને ઓનલાઇન રૂ.50,000મળીને ફક્ત રૂ. 5,30,000 પરત આપ્યા હતા જ્યારે બાકીના રૂ 22,70,000તથા કોઇ કાગળો અને વીઝા ન આપી વિશ્વાસઘાત કરતાં તુષાર દિલીપભાઇ સપકાળ, જયદીપ હસમુખભાઈ પટેલ તથા સાવિત્રી રાજેન્દ્રભાઈ તિવારી વિરુદ્ધ છેતરપિંડી અંગેની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
