Vadodara

રોડ પર ‘ભૂવા’ યુગનો અંત લાવવા ₹93 કરોડના ખર્ચે GRP ટેકનોલોજીથી ડ્રેનેજનું રીહેબિલિટેશન શરૂ

મુજમહુડા રોડ પર શિવાજી સર્કલથી કામગીરીનો પ્રારંભ, 2600 મીટરની મજબૂત લાઇનથી હવે ભૂવા પડવાનું જોખમ થશે ઓછું; મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ખર્ચ ઘટાડાની વાત પર મૂક્યો ભાર.

વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવાની સમસ્યાથી ત્રસ્ત મુજમહુડા રોડના રહીશોને હવે રાહત મળશે. ગત ચોમાસામાં સૌથી વધુ ભૂવા પડવાની ઘટના આ રોડ પર નોંધાઈ હતી, જેનું મુખ્ય કારણ જમીનમાંથી પસાર થતી જર્જરીત ડ્રેનેજ અને તેમાં વધેલું પાણીનું પ્રેશર હતું. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આધુનિક ગ્લાસ રીઇન્ફોર્સડ પ્લાસ્ટિક (GRP) ટેકનોલોજી આધારિત ડ્રેનેજ રીહેબિલિટેશનની કામગીરી શિવાજી સર્કલથી શરૂ કરી છે. વડોદરા શહેરમાં આ ટેકનોલોજીનો ઉપયોગ પ્રથમ વખત થઈ રહ્યો છે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ અંદાજે 2600 મીટર લાંબી ડ્રેનેજ લાઈનનું રીહેબિલિટેશન કરવામાં આવશે. કોર્પોરેશનનું આયોજન છે કે આ કામગીરી આવતા ચોમાસા પહેલા પૂર્ણ કરી દેવામાં આવે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ આશરે 93 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિ ચેરમેન ડૉ,શીતલ મિસ્ત્રી , મેયર પિન્કીબેન સોની તથા થાને કાઉન્સિલરોની ઉપસ્થિતિ માં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમણે આ ટેકનોલોજીના ફાયદાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, GRP ટેકનોલોજી દ્વારા ડ્રેનેજ લાઇનનું રીહેબિલિટેશન કરવામાં આવે છે, એટલે કે જૂની લાઈનની અંદર જ નવી GRP લાઈન દાખલ કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું હતું કે આ ટેકનોલોજીના ઉપયોગથી પરંપરાગત પદ્ધતિની સરખામણીએ ખર્ચ અડધો થઈ જાય છે. કોસ્ટ કટીંગ થવા ઉપરાંત સમય પણ બચે છે.
​VMC દ્વારા હાલમાં વડોદરા શહેરમાં અન્ય કયા રોડ પર આ પ્રકારની કામગીરીની જરૂર છે, તેનો પ્રાથમિક સર્વે પણ કરવામાં આવ્યો છે. જે ડ્રેનેજ લાઇન પર વધુ ભૂવા પડ્યા હશે, ત્યાં રોડની પહોળાઈ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આ GRP ટેકનોલોજીના આધારે કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં સાયન્ટિફિક સર્વેના આધારે અન્ય રોડ પર પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી શહેરને ભૂવા પડવાની સમસ્યામાંથી રાહત મળી શકે.

કામગીરીની સૌથી મોટી વિશેષતા …

*કોઈપણ પ્રકારનું ખોદકામ કરવું પડતું નથી.
*​ખર્ચમાં મોટો ઘટાડો થાય છે,
*​કામગીરી ચાલુ હોય ત્યારે રોડ બંને બાજુ બંધ કરવાની જરૂર પડતી નથી, *આ કામ ટનલિંગ પદ્ધતિ મુજબ અંદર જ ચાલતું રહે છે.
*​આ પાઇપ ખૂબ જ ટકાઉ અને મજબૂત હોય છે, જેના કારણે ભવિષ્યમાં ભૂવા પડવાની સમસ્યા પર કાયમી નિયંત્રણ આવશે.

GRP ટેકનોલોજીનો ઉપયોગ અમદાવાદ અને મુંબઈ જેવા અન્ય શહેરોમાં પણ સફળતાપૂર્વક શરૂ થઈ ચૂક્યો છે.

Most Popular

To Top