Vadodara

રોકાણના બહાને સલૂન વેપારી સાથે રૂ. 11.38 લાખની ઠગાઈ

ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 35.70 લાખ ઉપાડી ભાગ ચૂકવી, બાકી રકમ અટકાવી

વડોદરા, તા. 26:
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રોકાણના નામે એક સલૂન વેપારી સહિત ત્રણ લોકોને રૂ. 11.38 લાખની ઠગાઈનો ભોગ બનવું પડ્યું છે. આ મામલે ગોરવા પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
ગોરવા વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા નરેશભાઈ ભરતભાઈ ભગથરીયા મહેસાણાનગર સર્કલ, નિઝામપુરા ખાતે હેર સલૂન ચલાવે છે. તેમની દુકાન પર વાળ કપાવવા આવતા તેમના મિત્ર રીચર્ડભાઈએ એક ઓળખીતાને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તા ભાવે વેચતા હોવાની વાત કરી હતી અને જીતેન્દ્ર રાજપુરોહિતનો સંપર્ક નંબર આપ્યો હતો.
નરેશભાઈએ જીતેન્દ્રનો સંપર્ક કરી ‘રેનો 14’ મોબાઈલ ફોન રૂ. 40 હજારની કિંમતનો માત્ર રૂ. 26 હજારમાં ખરીદ્યો હતો. બાદમાં જીતેન્દ્રે વિદેશથી આઈફોન મંગાવી અહીં વેચાણ કરવાનો ધંધો હોવાનો કહી રોકાણ કરવા માટે પ્રલોભન આપ્યું હતું. તેણે વધુ નફો આપવાની ખાતરી આપી અને ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉપાડી રોકાણ કરવાની સલાહ આપી હતી.
શરૂઆતમાં નરેશભાઈના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 41 હજાર ઉપાડી તેમાં રૂ. 8 હજાર નફો આપતાં તેમનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ નરેશભાઈ, તેમની માતા તથા મિત્ર રુચીનભાઈના ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 35.70 લાખ ઉપાડી લીધા હતા. જેમાંથી માત્ર રૂ. 24.32 લાખ પરત ચૂકવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 11.38 લાખ પરત ન આપતાં ઠગાઈ બહાર આવી હતી.
વારંવાર માંગણી છતાં બાકી રકમ ન ચૂકવતાં નરેશભાઈએ ગોરવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કરજણના રોનક રાણા નામના વ્યક્તિ સાથે પણ રૂ. 5.11 લાખની ઠગાઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

Most Popular

To Top