Vadodara

રેલવે સ્ટેશનના ગરનાળામાં પોલીસ બસ ફસાતા ટ્રાફિકજામ,વાહનચાલકો અટવાયા

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશનના ગરનાળામાં સયાજીગંજથી અલકાપુરી તરફ જઈ રહેલી પોલીસ બસનો ઉપરનો ભાગ છતમાં ફસાઈ ગયો હતો. પોલીસની બસ ગરનાળામાં અટકી પડતા અલકાપુરી તરફ જઈ રહેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જેના કારણે ચાલકો અટવાયા હતા.

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન ગરનાળાને થોડા સમય પહેલા જ રીનોવેશન કરવામાં આવ્યું હતું. જોકે એ બાદ અનેક વખત મોટા વાહનો આ ગરનાળામાંથી પસાર થતાં ફસાઈ ગયા હોવાની ઘટના બની હતી. તેમ છતાં હજીએ કેટલાક મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે અને ગરનાળામાં આવી ફસાઈ જતા હોય છે. ત્યારે, ગત મોડી રાત્રે આવીજ એક ઘટના ફરી બની હતી. સયાજીગંજ વિસ્તારમાંથી અલકાપુરી તરફ જઈ થઈ રહેલી પોલીસની બસ ગરનાળામાં ફસાઈ ગઈ હતી. ગરનાળાની ઊંચાઈ ઓછી હોવાના કારણે બસની ઉપરનો ભાગ ગરનાળાની છત સાથે ધડાકાભેર અથડાયો હતો અને બસ ગરનાળાની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ ઘટના બાદ પાછળથી આવી રહેલા અનેક ટુવ્હીલર, કાર સહિતના વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને બસને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. આખરે ના છુટકે બસના ટાયર માંથી હવા કાઢી ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશરે પોણા કલાકની ભારે જહેમત બાદ આ બસને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top