પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે રેલ્વે ટિકિટ રિઝર્વેશનની રકમ જમા કરાવ્યા બાદ મળી ન આવતાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે રેલ્વે ટિકિટ રિઝર્વેશનની ઓફિસમાં ગત તા. 11 ડિસેમ્બર 1993ના રોજ દિવસ દરમિયાન વેચાયેલી ટિકીટની રકમ રૂ.1,24,664 ની ઉચાપત અંગેના કેસમાં કેશિયર તથા પટાવાળા પર આરોપ મૂકવામાં આવ્યા હતા અને સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી આ કેસ જિલ્લા સત્રન્યાયાલય, વડોદરા ખાતે ચાલ્યો હતો જેમાં 31વર્ષ બાદ બે લોકોને નિર્દોષ જાહેર કરાયા હતા.
પ્રાપ્ત કોર્ટના ચૂકાદા અને માહિતી અનુસાર, વડોદરા શહેરના લહેરીપુરા દરવાજા નજીક આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે રેલ્વે ટિકિટ રિઝર્વેશનની ઓફિસ આવેલી છે અહીં ગત 11-12-1993 ના રોજ દિવસ દરમિયાન વેચાયેલી રેલવે ટિકિટ રિઝર્વેશનની રકમ રૂ.1,24,664 ની રકમ જે તે સમયે કેશિયર તરીકે ફરજ બજાવતા શહેરના ગોત્રી ટી.બી.હોસ્પિટલ સામેના નવનાથ નગરમાં પરિવાર સાથે રહેતા રવિન્દ્ર પ્રભાકર રત્નપારખી હતા તથા દિનકરરાવ બળવંતરાવ જોશી પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા તેઓ સાથે ચિફ ઓફિસર (કેશિયર) તરીકે મયુરભાઇ ખુશાલભાઈ સુતરીયા સહિતના ફરજ બજાવતા હતા. તા. 11-12 ડિસેમ્બર,1993ના રોજ ટિકીટ રિઝર્વેશન ના નાણાં રૂ.1,24,664ની રકમ કેશિયરે પટાવાળા પાસે બંડલ બનાવી ગણીને તિજોરીમાં આ રકમ મૂકી હતી તે સમયે આર પી એફ ના સુરક્ષા કર્મી તથા પટાવાળા સમક્ષ મૂકી હતી ત્યારબાદ અહીં સ્ટ્રોંગ રૂમમાં તાળું મારવામાં આવ્યું હતું.એક ચાવી પટાવાળા પાસે,એક સિનિયર કેશિયર પાસે ચાવી હતી બીજા દિવસે રવિવાર હોય તેના બીજા દિવસે પટાવાળાએ પૈસા કાઢવા માટે આરપી એફ જવાનની હાજરીમાં તિજોરી ચેક કરતાં રૂ.1,24,664ની રકમ જણાઇ ન આવતા આ અંગેની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.આ સમગ્ર કેસમાં શંકાના આધારે કેશિયર રવિન્દ્ર પ્રભાકર રત્નપારખી તથા પટાવાળા તરીકે ફરજ બજાવતા દિનકરરાવ બળવંતરાવ જોશી નાઓ સામે વડોદરા જિલ્લા અને સત્ર ન્યાયાલય કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી તરફે ગુજરાત હાઇકોર્ટના વકીલ ધર્મેશ દુબે તથા એસ.એ.પઠાણ ની આધાર પૂરાવા સાથેની રજૂઆત કરાતાં આખરે 31વર્ષો બાદ તા.31 જાન્યુઆરી,2025ના રોજ કોર્ટે બંનેને સીઆરપીસી ની કલમ 248(1) હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ -409મુજબના શિક્ષાપત્ર તહોમત માંથી નિર્દોષ છોડી મૂકવાનો હૂકમ ચોથા એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ બી આર વાઘેલા દ્વારા આપવામાં આવ્યો હતો સાથે જ આરોપીઓએ સીઆરપીસી ની કલમ 437(એ) મુજબ રૂ.5,000ના જામીન તેમજ જાત મુચરકા રજૂ કરવા જે છ માસ બાદ રદ્ ગણાશે તેનો હૂકમ કર્યો હતો.આમ 31 વર્ષની લડાઇ બાદ બંને નો નિર્દોષ છૂટકારો થયો હતો. ચૂકાદો આવ્યો ત્યાર પહેલાં રવિન્દ્ર પ્રભાકર રત્નપારખી વર્ષ -2015મા નિવૃત્ત થયા હતા જ્યારે દિનકરરાવ, બળવંતરાવ જોશી 1998-99મા નિવૃત્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.