કરોડોના સ્ક્રેપ કૌભાંડમાં પોલીસની તપાસનો વેગ લંબાયો
ઠગ ઇજારદારોની ઊંડી પૂછપરછ ચાલુ થતા જ ઠગ ટોળકીમાં નાસભાગ :
વડોદરા રેલવેના સ્ક્રેપ કૌભાંડમાં સીબીઆઇ અને એસીપી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રેલવે ડીપીઓ સહિતના ચાર ઉચ્ચ અધિકારીઓની સીધી સંડોવણી સપાટી પર આવતા તપાસ અધિકારીઓએ પાંચ લાંચિયા અધિકારીઓને સકંજામાં લીધા હતા. લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના ઇરાદે ઇજારદાર સાથે મળીને લોખંડના સ્ક્રેપનું ટેન્ડર ભરાવીને સ્ટીલનો સ્ક્રેપ સહિતનો મુદ્દામાલ સગેવગે કરવા બે ટ્રક ભરી હતી. જે પોલીસે લાખો રૂપિયાના મુદ્દા માલ સાથે જપ્ત કરીને તપાસને વેગ આપતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પોલીસ તપાસમાં હજુ પણ કૌભાંડમાં ઇજારદારના નામ ઠામ સપાટી પર આવ્યા નથી. આટલા લાંબા સમયથી ચાલી રહેલી શંકાસ્પદ ચોરીના કૌભાંડમાં અન્ય પણ વધુ કોની કોની ભૂમિકા છે ? ભૂતકાળમાં પણ સ્ક્રેપ કૌભાંડ ચાલતું હતું. તો કેટલા કરોડોનું સ્ક્રેપ સગેવગે થઈ ગયું. કરોડોના કૌભાંડના પડઘા કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યા હોવાના અહેવાલ સાંપડ્યા હતા. જ્યારે ઉપરથી તપાસનો ધમધમાટ ચાલુ થતા જ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભ્રષ્ટાચાર્યો તેમના આકાઓની શરણમાં છુપાઇને કરોડોના સ્ક્રેપ કૌભાંડ ઉપર ઢાંક પીછોડો કરાવવાની પૅરવીમાં પણ લાગી ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. રેલવે તંત્રમાં ઘણા વર્ષાથી અનેક કૌભાંડો સપાટી પર આવતા કેન્દ્ર સરકાર પણ અચંબામાં પડી ગઈ છે. શક્ય તેટલા જલ્દી આ સ્ક્રેપ કૌભાંડની ઊંડી તપાસ બાબતે પણ ઉપરથી આદેશો છોડવામાં આવ્યા છે. કોના ઇશારે આટલા કરોડોના કૌભાંડના સ્ક્રેપની ઠગાઈ આચરાતી હતી. તે ઇજારદારો કેટલા વર્ષોથી છેતરપિંડી આચરતા હતા. તે દિશામાં પણ તપાસનો દોર લંબાવ્યો હોવાથી ટૂંક સમયમાં ઘનિષ્ઠ તપાસ કરીને પોલીસ આરોપીઓને સકંજામાં લેવા દોડધામ મચાવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
