24 કલાકથી 8 કલાક વચ્ચે ટિકિટ કેન્સલ કરાશે તો 50 ટકા રકમ જ પરત આપવામાં આવશે
ટ્રેનના નિર્ધારિત સમયથી 30 મિનિટ પહેલા સુધી કોચ અને ક્લાસ બદલવાનો વિકલ્પ આપવામાં આવશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
રેલવેએ કન્ફર્મ ટિકિટો માટે તેના રદ કરવાના નિયમોમાં સુધારો કર્યો છે. રેલવેમાં ટિકિટોની કાળાબજારી રોકવા માટે રેલવેએ રિફંડ નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે યાત્રિકોની ટિકિટ કેન્સલ કરવા પર પહેલાની જેમ બધા પૈસા પરત મળશે નહી પરંતુ સમયના હિસાબથી રિફંડ કાપવામાં આવશે. નવા નિયમો અનુસાર જો કોઈ મુસાફર ટ્રેનના નિર્ધારિત સમયથી 8 કલાક પહેલા ટિકિટ રદ કરે છે. તો તેને કોઈ પણ પ્રકારનું રિફંડ મળશે નહી.
24 કલાકથી 8 કલાક વચ્ચે ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો 50 ટકા રકમ જ પરત આપવામાં આવશે. જો ટિકિટ 72 કલાકથી વધુ સમય પહેલાં રદ કરવામાં આવે છે, તો મુસાફરને 75% સુધીનું રિફંડ મળશે. ટુંકમાં 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવાથી મુસાફરોને આખું રિફંડ મળી જતું હતુ. પરંતુ, હવે આ નિયમો લાગુ કરવાથી કાળાબજારી રોકવામાં આવશે. જેનાથી તમામ મુસાફરોને ટિકિટ સરળતાથી મળી શકે. નવી જોગવાઈઓ હેઠળ, મુસાફરો હવે કોઈપણ સ્ટેશનથી ઓફલાઈન મોડમાં તેમની ટિકિટ રદ કરી શકશે. આનાથી યાત્રિકોને સ્ટેશન સુધી સીમિત રહેવું પડશે નહી જ્યાંથી તેમણે ટિકિટ બુક કરાવી હતી. મુસાફરોને ડિપાર્ચર સ્ટેશન સિવાય આગળના કોઈ પણ સ્ટેશન પરથી ટ્રેન બોર્ડ કરવાની સુવિધા આપવામાં આવશે. આ સિવાય મોબાઈલ એપમાં બોર્ડિંગ સ્ટેશન અપટેડ કરવાનો પણ વિકલ્પ છે. હવે મુસાફરો પોતાની સીટ અપડેટ કરી શકશે. ટ્રેનના નિર્ધારિત સમયથી 30 મિનિટ પહેલા સુધી કોચ અને ક્લાસ બદલવાનો વિકલ્પ આપવામાં આવશે. એટલે કે, મુસાફરો થર્ડ એસીમાંથી ફર્સ્ટ એસીમાં પોતાની સીટ અપગ્રેટ કરી શકશે. આ નવા ફીચર્સનો ઉદ્દેશ્ય મુસાફરોને વધારે સુવિધા, સરળ અને સુંદર યાત્રાનો અનુભવ આપવાનો છે. રેલવે મંત્રીના કહ્યા અનુસાર મિનિસ્ટર સેલમાં પહેલા દરરોજ ટિકિટ કન્ફર્મેશન માટે 400-500 રિકવેસ્ટ મળતી હતી, પરંતુ, હવે ફક્ત 150 રિકવેસ્ટ મળે છે. જેનો અર્થ એ થાય કે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.