Dahod

રેલવેએ લીમખેડા ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર લાખોના ખર્ચે બનેલું સરકારી શૌચાલય તોડી પાડ્યું


લીમખેડામાં રેલવે વિભાગની મનમાની



દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા શાળા નજીક રેલવે વિભાગે કરેલી કાર્યવાહીથી વિવાદ સર્જાયો છે. રેલવે વિભાગે સ્થાનિક તંત્રને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જાહેર શૌચાલયને તોડી પાડ્યું છે. આ શૌચાલય લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું હતું.



21 માર્ચે શુક્રવારના રોજ રેલવેના અધિકારીઓ JCB મશીન સાથે આવ્યા હતા. તેમણે રેલિંગ લગાવવાની કામગીરી માટે આડેધડ થાંભલા રોપવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે જાહેર શૌચાલયને તોડી પાડ્યું. આ શૌચાલયનો ઉપયોગ આસપાસના લોકો અને ગ્રામીણ પ્રજા કરતી હતી.

લીમખેડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હરેશ બારીઆએ જણાવ્યું કે રેલવે વિભાગે કોઈ નોટિસ કે જાણકારી આપી નથી. તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવતે પણ કહ્યું કે રેલવે વિભાગે સ્થાનિક તંત્રને જાણ કરવી જોઈતી હતી. સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. જનતાના ટેક્સના પૈસાથી બનેલી સુવિધા તોડી પાડવા બદલ અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. હવે સ્થાનિક તંત્ર રેલવે વિભાગ પાસે જવાબ માંગશે કે નહીં તે જોવાનું રહ્યું છે.

Most Popular

To Top