ચાલુ વર્ષે રૂ.724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં રૂ. 591.79 કરોડ વેરાની વસુલાત કરતી પાલિકા
શનિ-રવિની રજાઓમાં પણ વોર્ડ ઓફિસ ચાલુ રાખવા નિર્ણય
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના રૂ. 724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં રૂ.591.79 કરોડની વસુલાત થઈ છે. હવે 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા હજુ 132 કરોડ ખૂટે છે. લક્ષ્યાંકને પહોંચી વળવા કોર્પોરેશન દ્વારા હવે વધુ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રેલવેએ રૂ. 10 કરોડ સામે માત્ર રૂ.1.5 કરોડ જ ચૂકવ્યા છે.
અત્યાર સુધીમાં વેરો નહીં ભરનાર લોકોને 41700 વોરંટ બજાવ્યા છે, અને 69000 નોટિસો આપવામાં આવી છે. કોમર્શિયલ મિલકતોની બાકી વસુલાત માટે મિલકતો સીલ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. જે 591.79 કરોડની વસુલાત થઈ છે તેમાં આશરે 481 કરોડ મિલકત વેરાના છે. પ્રોફેશનલ ટેક્સની 62.43 કરોડ આવક થઈ છે. વ્હીકલ ટેક્સના 47.41 કરોડ મળ્યા છે. જ્યારે પાણી ચાર્જના 55.78 લાખ પ્રાપ્ત થયા છે. હાલ કોર્પોરેશનના તમામ વોર્ડમાં વેરાની વસુલાત કડકરાહે કરવા સૂચના આપી દેવામાં આવી છે. રેલ્વે વિભાગ પાસે 10 કરોડનો વેરો બાકી પડતો હતો. જે અંગે બેઠક યોજવામાં આવી હતી. જેમાં દોઢ કરોડ રૂપિયા ભરી દેવામાં આવ્યા છે, અને બાકીના ભરવા માટે પ્રોસેસ ચાલુ છે. કોર્પોરેશન દ્વારા બાકી વેરો ભરવામાં સરળતા રહે તે માટે 31 માર્ચ સુધી શનિ-રવિની રજાઓમાં પણ વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા હાલ પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના ચાલુ છે, જેમાં પાછલો બાકી વેરો ભરે તો રહેણાંક અને કોમર્શિયલ મિલકતોના વેરા ઉપર પાછલા વર્ષના બાકી વ્યાજમા 80 ટકા રિબેટ આપવામાં આવે છે.
