( પ્રતિનિધી )વડોદરા,તા.17
વડોદરા સહિત રાજ્યભરમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. મોડી રાત્રે અને વહેલી સવારે શરીર ધ્રુજાવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં સોમવારે ન્યુનત્તમ પારો 12.2 ડિગ્રી નોંધાયો હતો.
વડોદરામાં ફરીથી ઠંડીનું જોર શરૂ થયું છે. સોમવારે તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રીથી પણ નીચે જતો રહેતા લોકોને તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો 15 ડિગ્રીની આસપાસ રહેતા લોકો સામાન્ય ઠંડી અનુભવતા હતા. પરંતુ , પારો અચાનક નીચે ઉતરતાની સાથે ઉત્તરના ઠંડા પવનોના કારણે શીતલહેર ફેલાઇ હતી. સાંજ પડતાની સાથે જ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવું પડે તેવું વાતાવરણ સર્જાયું હતું. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધશે. હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં તાપમાનનો મહત્તમ પારો ઘટીને 29.2 ડિગ્રી તેમજ ન્યુનત્તમ પારો 12.2 ડિગ્રી નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 71 અને સાંજે 28 ટકા હતું. જ્યારે ઉત્તર-પૂર્વથી 9 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ નોંધાઇ હતી. મહત્વનું છે કે, વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરોઢિયે શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસ થવાયેલું જોવા મળે છે. આ ઉપરાંત હવે ઝાંકાળ પણ પડી રહી છે. હાઇવે ઉપર ધુમ્મસના પગલે વિઝીબીલીટી ઘટી જતા વાહન ચાલકો પણ વાહનો ધીમે ધીમે ચલાવતા નજરે પડી રહ્યા છે. જ્યારે શહેરમાં પણ ઠેર ઠેર ગરમ કપડાની દુકાનોમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. મોડી રાત્રિના ઠંડો પવન ફૂંકાતા રસ્તા ઉપર સન્નાટો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક તાપણા સળગાવીને લોકો ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શકયતા છે.