મુખ્ય આવક સ્ત્રોત તરીકે વેરા દ્વારા રૂ.740 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક
50 કરોડનો સફાઈ વેરો ફગાવાયો, વિકાસ પ્રોજેક્ટ્સ માટે બોન્ડ અને લોનનો સહારો
વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ 2025-26ના અંદાજપત્ર અને રીવાઈઝડ બજેટનો ડ્રાફ્ટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યો હતો. 5 દિવસ સુધી ચર્ચા-વિમર્શ પછી, આજે સમિતિ દ્વારા કુલ રૂ.6,219.81 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી. મહત્વપૂર્ણ રીતે, મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા રૂ.50 કરોડના સફાઈ વેરાને સ્થાયી સમિતિએ ફગાવી દીધો છે, જ્યારે વિકાસ કામો માટે બોન્ડ અને લોન દ્વારા ભંડોળ એકત્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ વર્ષે મહાનગરપાલિકાએ રૂ.1,846 કરોડના વિકાસ કામોનું લક્ષ્યાંક રાખ્યું છે, જે ગત વર્ષની તુલનાએ વધુ છે. મુખ્ય આવક સ્ત્રોત તરીકે વેરા દ્વારા રૂ.740 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત, પાણી પુરવઠા સુધારવા ટીંબી તળાવ અને અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવાની યોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

સ્થાયી સમિતિએ મુખ્ય કરદાતાઓ પર બોજ ઓછો રહે તે માટે રૂ.50 કરોડના વધારાના સફાઈ વેરાને ફગાવી દીધો છે. વિકાસ કામો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ.500 કરોડ સુધીના મ્યુનિસિપલ બોન્ડ અથવા લોન દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે.
ગત વર્ષે મંજૂર થયેલા રૂ.1,700 કરોડના વિકાસ કામોમાંથી અંદાજે રૂ.700 કરોડના પ્રોજેક્ટ્સ અધૂરા રહ્યા છે, અને કેટલીક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે. વડોદરા મહાનગરપાલિકાને આગામી વર્ષોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારથી વિવિધ યોજનાઓ હેઠળ રૂ.750 કરોડના ફાળો મળવાની અપેક્ષા છે. મહાનગરપાલિકા ભવિષ્યમાં પણ મ્યુનિસિપલ બોન્ડ દ્વારા નાણાં મેળવી શકશે, જેને કેન્દ્ર સરકાર દ્વારા ઇન્સેન્ટિવ રૂપે પરત આપવામાં આવશે.
ભારતમાં મ્યુનિસિપલ બોન્ડનો વ્યાપ વધતો જઇ રહ્યો છે, અને વડોદરા મહાનગરપાલિકા ગુડ ગવર્નન્સ અને પારદર્શક વહીવટ માટે ‘માસ્ટર બોન્ડ રિઝોલ્યુશન’ અને ‘ડેબ્ટ મેનેજમેન્ટ પોલિસી’ અપનાવશે.
હોર્ડિંગ-ફ્રી સીટી અને તળાવો માટે નવા પ્રસ્તાવોને મંજૂરી


વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ તાજેતરમાં બજેટની ચર્ચાઓ બાદ મહત્ત્વના ઠરાવોને મંજૂરી આપી છે. શહેરના વિકાસ અને પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી કેટલાક મહત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કરાયા છે.
વડોદરા શહેરમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રતાપપુરા, ધનોરા, હરીપુરા અને વડદલા તળાવોને પાઇપલાઇન થકી એકબીજા સાથે જોડવામાં આવશે. આ ઈન્ટર-લિંકિંગ દ્વારા શહેરમાં પાણીનો નવો સ્ત્રોત ઉભો કરાશે. સાથે જ ટીંબી અને દેણા તળાવને પણ જોડવાનો પ્રસ્તાવ મૂકાયો છે, તેમજ દેણા ખાતે નવું તળાવ બનાવી પાણીનો વધુ સારો ઉપાય શોધવાની શક્યતા ચકાસવામાં આવશે.
ટીંબી તળાવમાં ડ્રેજિંગ કરવાનો અને કોટંબી તળાવને નવા નિર્માણનો પણ નિર્ણય લેવાયો છે. આ તમામ આયોજન વડોદરાના પાણી પુરવઠાને સુદૃઢ બનાવશે અને આગામી વર્ષોમાં પાણીની અછત ટાળવામાં મદદરૂપ બનશે.
વિકાસને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે તા. 1 માર્ચથી વડોદરા શહેર હોડિંગ-ફ્રી, ટેમ્પરરી ગેટ-ફ્રી અને કમાન-ફ્રી બનશે. આ નીતિ શહેરના દ્રશ્યપટને વધુ સુંદર અને વ્યવસ્થિત બનાવશે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
શહેરમાં આવેલા તમામ તળાવો માટે GEER FOUNDATION દ્વારા વેટલેન્ડ સંદર્ભે જરૂરી કાર્યવાહી હાથ ધરાશે. આ તળાવોના સંવર્ધન માટે ઉપયોગી બની શકે છે અને શહેરમાં જૈવિક તંત્રમાં સુધારો લાવી શકશે.
સભા શાખાના સ્ટાફ માટે ખાસ પગાર રૂ.300 ને બદલે રૂ.1000 કરવાનું ઠરાવવામાં આવ્યું છે.
મેડિકલ રીએમ્બર્સમેન્ટ કિસ્સામાં કરમહરી/પેન્શનરોના ઓ.પી.ડી. દવાઓ CHC/PHC/જન ઔષધિ કેન્દ્ર પરથી લેવાની રહેશે. કોઈ કિસ્સામાં દવાઓ નહીં મળે તે સમયે CHC દ્વારા સર્ટિફાઇડ કર્યા બાદ હોલસેલ ભાવે રીએમ્બર્સમેન્ટ કરવામાં આવશે.
સ્થાયી સમિતિએ કરેલા મહત્વના સૂચનો
વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિએ શહેર વિકાસ અને નાગરિક સુવિધાઓના વિસ્તરણ માટે વિવિધ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા છે.
વેરાની વસુલાત અને ઈમ્પેક્ટ ફી
શહેરમાં બાકી રહેલા જુના વેરાની સગન વસુલાત માટે વિશેષ ડ્રાઇવ ચલાવવાની યોજના હાથ ધરવામાં આવે. સાથે જ, ઈમ્પેક્ટ ફીનો લાભ વધુ શહેરીજનો સુધી પહોંચે તે માટે લોકજાગૃતિ અભિયાન ચલાવી જરૂરી કાર્યવાહી કરવાની ભલામણ કરાઈ છે.
જળ પુરવઠા અને ડ્રેનેજ વ્યવસ્થા
પાણી અને ડ્રેનેજના ડમી કનેક્શનોને રેગ્યુલર કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવશે.
પાણી વિતરણમાં થતી લીકેજિસ અટકાવવા માટે યોગ્ય પગલાં ભરાશે.
દરરોજ પાણીના સ્ત્રોતમાંથી કેટલું પાણી લેવાયું અને કેટલું વિતરિત થયું તેનો ડેટા મેળવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.


શહેરમાં જળસંચયને પ્રોત્સાહન આપવા માટે દરેક ઝોનમાં એક ખંભાતી કુવાનું આયોજન કરવામાં આવશે.
મહાનગરપાલિકાની મિલકતો અને દુકાનો માટે નીતિ
મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી ભાડે અથવા લીજથી અપાયેલી દુકાનો માટે નવી ભાડા નીતિ ઘડવામાં આવશે.
આવાસ યોજનાના અંતર્ગત વેચાયેલા દુકાનોને ભાડે અથવા લીજથી આપવા માટે નીતિ બનાવવાની દરખાસ્ત રજૂ કરાશે.
મહાનગરપાલિકાની મિલકતોનું વેલ્યુએશન કરવાની અને એજન્સી નિમવા માટે પગલાં ભરાશે.
રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા
ચારેય ઝોનમાં રોડ પર ભરાતા શાકમાર્કેટોને નજીકના કોર્પોરેશનના પ્લોટમાં સ્થળાંતરિત કરી રોડ ખુલ્લા કરવા માટે આયોજન થશે.
પેચવર્ક કામગીરી એર કોમ્પ્રેસર વડે કરવામાં આવશે જેથી કામગીરીની ગુણવત્તા વધે.
શહેરમાં ચાર વ્હીકલ પુલ બનાવવાનું આયોજન છે.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુધારા
દરેક ઝોનમાં ચાર આધુનિક શાળાઓ બનાવવા માટેનું આયોજન છે.
શહેરમાં સેન્ટ્રલ ડાયગ્નોસ્ટિક સેન્ટર સ્થાપવાની યોજના છે.
તમામ સીએચસી સેન્ટરસમાં દંત ચિકિત્સા સુવિધા ઉભી કરાશે.
શહેરમાં હરિયાળી અને જળ સંવર્ધન
વડોદરા શહેરના ફ્લોરા અને કોના એક્ઝિબિશન માટે ઈકો પાર્કનું આયોજન કરાશે.
શહેરમાં વેસ્ટ ગાર્ડન વિકસાવવામાં આવશે.
શહેરના વૃક્ષો માટે ટ્રી સેન્સસ યોજનાનું આયોજન થશે.
ઓક્સિજન પાર્ક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવશે.
જાહેર સુવિધાઓમાં વધારો
નાગરિકોની સુવિધા વધારવા માટે જાહેર સ્થળોએ શૌચાલયોની સંખ્યા વધારવામાં આવશે.
પોલીસ સ્ટેશનો અને બગીચાઓમાં પણ સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
ચારેય ઝોનમાં BOT ધોરણે પાર્ટી પ્લોટ વિકસાવવામાં આવશે.
વિભિન્ન વિકાસ યોજના અને નીતિઓ
અટકેલી TP ઓને તાત્કાલિક મંજૂર કરાવી અને જરૂર પડે તો કન્સલ્ટન્ટની નિમણૂક કરીને કામગીરી ઝડપભેર કરવામાં આવશે.
શહેરમાં ખોખો અને ભારતીય રમતોને પ્રોત્સાહન આપવા માટે ગ્રાઉન્ડનું આયોજન કરાશે.
સ્થાયી સમિતિએ કેટલાંક ખર્ચો વધાર્યા, કેટલાંકમાં કરાયો ઘટાડો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં અનેક મહત્વના વિકાસ કામો અને તાકીદના કામો માટે અપાતા અંદાજમાં સ્થાયી સમિતિએ મોટા ફેરફાર કર્યા છે. કેટલાક ખર્ચમાં વધારો કરાયો છે, જ્યારે કેટલાક ખર્ચમાં કાપ મૂકવામાં આવ્યો છે.
જાહેર સુવિધાઓ માટે વધારેલા બજેટ
મુખ્ય અને ટી.પી. રસ્તાઓ: મુખ્ય માર્ગો, ટી.પી. સ્કીમના રસ્તાઓ અને એસ.ટી. બસો ચાલતી હોય તેવા માર્ગોની નિભાવણી માટે કમિશનરે રૂ.940 લાખનો અંદાજ સૂચવ્યો હતો, જે સ્થાયી સમિતિએ વધારી રૂ.1110 લાખ કર્યો.
સ્વિમિંગ પુલ: નવીન પંપ સેટ અને સાધનો ખરીદવા માટે નિર્ધારિત રૂ.10 લાખનો અંદાજ વધારી રૂ.50 લાખ કરવામાં આવ્યો.
LED હોર્ડિંગ્સની આવક: કમિશનરે રૂ.25 લાખનો અંદાજ આપ્યો હતો, જે સ્થાયી સમિતિએ વધારી રૂ.200 લાખ કર્યો.
સરકારી જમીન વેચાણ: અંદાજિત રૂ.10,000 લાખનો ખર્ચ વધારી રૂ.15,000 લાખ સુધી કર્યો.
અનધિકૃત બાંધકામ રેગ્યુલરાઈઝેશન: ઈમ્પેક્ટ ફી માટે રૂ.100 લાખના અંદાજને સ્થાયી સમિતિએ રૂ.1000 લાખ સુધી વધારો કર્યો.
પાણી અને ડ્રેનેજ કનેકશન રેગ્યુલરાઈઝેશન: રૂ.5 લાખના પ્રસ્તાવને વધારી રૂ.1000 લાખ કરવામાં આવ્યો.
જમીન સંપાદન: રૂ.2000 લાખના બજેટને સ્થાયી સમિતિએ વધારી રૂ.3000 લાખ કર્યું.
શબવાહિની: નવી શબવાહિની માટે કમિશનરે રૂ.30 લાખનો અંદાજ આપ્યો હતો, જે વધારી રૂ.50 લાખ કર્યો.
પાણી મેળવવા માટે: આજવા-નિમેટા યોજના માટે કમિશનરે માત્ર રૂ.0.05 લાખ સૂચવ્યા હતા, જે સ્થાયી સમિતિએ વધારી રૂ.100 લાખ કર્યા.
પાણી વિતરણની પાઇપલાઇન્સ: જૂની પાઈપલાઈનો બદલવા અને નવી નલિકાઓ નાખવા માટે રૂ.25 લાખનો અંદાજ વધારી રૂ.1000 લાખ થયો.
વ્હિકલ્પુલનું આધુનિકરણ: કમિશનરે રૂ.100 લાખનો અંદાજ આપ્યો હતો, જે સ્થાયી સમિતિએ રૂ.1000 લાખ કર્યો.
ઘટાડવામાં આવેલા ખર્ચ
ડ્રાફ્ટ ટી.પી. સ્કીમો: કમિશનરે રૂ.50 લાખનો અંદાજ આપ્યો હતો, જે સમિતિએ ઘટાડીને રૂ.40 લાખ કર્યો.
કર્મચારીઓ માટે મેડિકલ રિ-ઈમ્બર્સમેન્ટ: રૂ.1200 લાખના અંદાજને ઘટાડી રૂ.900 લાખ કરવામાં આવ્યો.
હોસ્પિટલ અને લેબોરેટરી બિલ: રૂ.1300 લાખના ખર્ચને રૂ.900 લાખ સુધી ઘટાડવામાં આવ્યો.
સ્મશાન માટેના ખર્ચ: શહેરના તમામ સ્મશાનો માટે રૂ.1100 લાખના બજેટને રૂ.600 લાખ સુધી લવાયો.
રખડતાં પ્રાણીઓ માટે: ટ્રીટમેન્ટ અને નિયંત્રણ માટે રૂ.120 લાખના ખર્ચને રૂ.100 લાખ કરાયો.
ઢોર ડબ્બા અને પશુપાલન: રૂ.430 લાખના અંદાજને ઘટાડી રૂ.400 લાખ કરવામાં આવ્યો.
સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં કરાયેલા ફેરફારોને શહેરના વિકાસ અને જનહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. કેટલીક મહત્વની સેવાઓ માટે વધુ ફંડ ફાળવવામાં આવ્યું છે, જ્યારે કેટલીક જગ્યાએ ખર્ચમાં કાપ મુકાયો છે. હવે જોવાનું એ રહેશે કે આ ફેરફારો વડોદરાની જનતા માટે કેટલા લાભદાયી સાબિત થાય છે.
સ્થાયી સમિતિની બેઠકમાં નારાજગી અને સમાધાન !
શહેરની સ્થાયી સમિતિની આજે યોજાયેલી બેઠકમાં બજેટને મંજૂરી આપવાની પ્રક્રિયા દરમિયાન નાટકીય દ્રશ્યો સર્જાયા હતા. બજેટ મંજૂરી પહેલા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, સભા સેક્રેટરી ચિંતન દેસાઈ અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી દ્વારા અંતિમ ચર્ચા ચાલી રહી હતી.
આ દરમ્યાન, સમિતિના સભ્ય નિતિન દોંગા બધી જ પ્રક્રિયા શરુ થાય તે પહેલાં દસ મિનિટ પહેલા સ્થળ પર આવી પહોંચ્યા. ચેરમેને તેમને પૂર્વનિર્ધારિત સમય પહેલા પહોંચવાના કારણે બીજી રૂમમાં બેસવા સૂચવ્યું, જેનાથી દોંગા નારાજ થયા હોવાનો ગણગણાટ કોર્પોરેશનની લોબીમાં શરૂ થયો હતો. ત્યારબાદ, દસ મિનિટ પછી જ્યારે અન્ય સભ્યો સભાખંડમાં પહોંચ્યા, ત્યારે પણ દોંગા રિસામણે રહ્યા અને બેઠકમાં જોડાયા નહોતા.
સ્થાયીના કેટલાક સભ્યોએ પણ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી અને બજેટ મામલે સહી કરવાનું ટાળ્યું હોવાનું પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, સ્થિતિને શાંત કરવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ નિતિન દોંગાને સમજાવ્યા અને અંતે માફી માંગતા તેઓ બેઠકમાં જોડાયા હતા.
જોકે સમગ્ર ઘટનાક્રમ અંગે નીતિન દોંગાએ જણાવ્યું કે, સમગ્ર બાબત તદ્દન ખોટી છે. એવું કશું બન્યું જ નથી. આ બાબત કોઈએ ઉપજાવી કાઢી છે.