ઉધારના રૂ. 5 લાખ આપ્યાનો દાવો, ચેક બાઉન્સ થતા દાખલ થઈ હતી ફરિયાદ
પુરાવામાં વિસંગતતા સામે આવતા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો
કાલોલ:
કાલોલ તાલુકાની એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા રૂ. 4.85 લાખના ચેક રીટર્ન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ફરિયાદી પોતાની તરફથી આપેલા નાણાં અંગે કાયદેસરનું લેણું અને નાણાકીય ક્ષમતા પુરવાર કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે આરોપી રતનસિંહ અમરસિંહ પરમાર (મુ. દાતોલ, તા. ઘોઘંબા)ને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.
માહિતી મુજબ ગેંગડિયા ગામે રહેતા અને પાનમ સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયેલા ગણપતસિંહ ઝીણાભાઈ સોલંકીએ આરોપી સાથે પારિવારિક ઓળખાણને આધારે તા. 27/09/2019ના રોજ રૂ. 5 લાખ ઉધાર આપ્યાનો દાવો કર્યો હતો. બાદમાં ઉઘરાણી કરતાં રૂ. 15,000 રોકડા અને બાકીની રકમ રૂ. 4,85,000નો ચેક આપવામાં આવ્યો હતો, જે અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયો હતો. ત્યારબાદ ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કાલોલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
સુનાવણી દરમિયાન આરોપી તરફથી એડવોકેટ એસ.એસ. શેઠે દલીલ કરી હતી કે ચેક અન્ય વ્યક્તિને આપવામાં આવ્યો હતો અને તેનો દુરુપયોગ કરીને ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુમાં ફરિયાદી દ્વારા રૂપિયા આપ્યા હોવાના સ્થળ અને સાક્ષીઓ અંગે અલગ અલગ વિગતો રજૂ થતાં કેસમાં શંકા ઉભી થઈ હતી. ફરિયાદી દ્વારા બેંકમાંથી રૂપિયા ઉપાડ્યાનો કોઈ પુરાવો, કાચી નોંધ, પાવતી અથવા નાણાકીય ક્ષમતાનો દસ્તાવેજ પણ રજૂ કરવામાં આવ્યો નહોતો.
આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એસ. પટેલે ફરિયાદી કાયદેસરનું લેણું પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનું માન્ય રાખી આરોપીને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો હતો.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા